અમદાવાદ અડધું સુકુ, અડધું ભીનુંઃ શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદઃ ગરમીથી ત્રસ્ત અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યા બાદ વરસાદાના જોરદાર ઝાપટાં પડ્યા હતા, જોકે પૂર્વ અને પશ્ચિમના અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના વિસ્તારો કોરા રહ્યા હતા.
દરમિયાન ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ બે દિવસ વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી છે. આજે બપોરના બે વાગ્યા સુધીમાં ખેડા જિલ્લાના માતરમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : Heavy Rain Alert in Gujarat: ગુજરાત માટે બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 11 જિલ્લાઓમાં એલર્ટ
આજે એટલે કે મંગળવારે સવારે છ થી બપોરેના બે વાગ્યા સુધીમાં રાજ્યમાં ખેડા જિલ્લાના માતરમાં 52 મિમી, મહેમદાવાદ અને નડિયાદમાં 35 મિમી, ખેડામાં 29મીમી વસોમાં 28 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આણંદ જિલ્લાના તારપુરમાં 44 મીમી, સુરત જિલ્લાના ઓલપાડમાં 32 મિમી, ભાવનગર જિલ્લાના તળાજામાં 24 મિમી, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 23 મીમી, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 21 મીમી, ગીર સોમનાથના ગીર ગઢડામાં 20 મીમી અને સુત્રાપાડા 15 મીમી, બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 19 મીમી, આણંદ જિલ્લાના ખંભાતમાં 16મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. એસજી હાઈવે, ગોતા, બોપલ, પ્રહલાદનગર, ઇનસપુર, મણિનગર, નરોડા સહિતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 10મી જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.