તરસ્યું અમદાવાદઃ સિઝનનો માત્ર 18 ટકા વરસાદ, ગયા વર્ષ કરતા આટલો ઓછો
અમદાવાદઃ દેશભરમાં ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર વરસી રહ્યો છે જ્યારે અમુક રાજયો કે શહેરો હજુ ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ શહેરની પણ આવી જ હાલત છે. એક અઠવાડિયા પહેલા અહીં સાતેક ઈંચ વરસાદ થયો હતો, પરંતુ હવે શહેરમાં સખત બફારો વર્તાઈ રહ્યો છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે સૌરષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદી માહોલ છે, છતાં જરૂર પ્રમાણે વરસાદ વરસ્યો નથી.
ગુજરાતની વાત કરીએ તો આ ચોમાસાના સરેરાશ વરસાદના આંકડા સંતોષકારક નથી. જેમાં અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં 50 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી સરેરાશ પાંચ ઈંચ સાથે ચોમાસાનો સરેરાશ 18.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ આ સમયગાળા દરમિયાન જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધી 9.33 ઈચ સાથે સિઝનનો 34.61 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.
અમદાવાદ જિલ્લામાં ચાલુ સીઝનમાં ધોળકામાં સૌથી ઓછો 3.77 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે 8મી જુલાઇ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 14.21 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અગાઉ 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઇ હતી અને એ વખતે 8મી જુલાઈ સુધી માત્ર 10 ટકા વરસાદ નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 50.85 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ જૂનાગઢમાં 46.18 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થયાના લગભગ એક મહિના બાદ પણ કેટલાક જિલ્લાઓમાં સિઝનના સરેરાશ વરસાદના માત્ર 15 ટકાથી ઓછો વરસાદ થયો છે. જેમાં રાજ્યના પાંચ જિલ્લામાં જ્યાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે તેમાં આણંદ જિલ્લામાં 11.08 ટકા, દાહોદ જિલ્લામાં 11.2 ટકા અરવલ્લી જિલ્લામાં 11.46 ટકા, પાટણ જિલ્લામાં 12.5 ટકા અને મહિસાગર જિલ્લામાં 13.96 ટકા વરસાદ વરસયો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદ વરસવાની સંભાવના છે.
Also Read –