અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શોના છોડ હવે વેચાણ માટે ઉપલબ્ધ, જાણો ક્યાંથી ખરીદી શકાશે

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ યોજાતા ફ્લાવર શોમાં આ વર્ષે તંત્રને તોતિંગ ખોટ થઈ હતી. આ વર્ષે 17 કરોડના ખર્ચની સામે તંત્રને 11 કરોડ જેટલી આવક થતાં 5 કરોડની ખોટ ગઈ હતી. આ દરમિયાન તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ ફ્લાવર શોમાં મુકવામાં આવેલા રોપને હવે તમે તમારા ઘરે પણ લગાવી શકશે. લો ગાર્ડન નજીકની રસાલા નર્સરી, નવરંગપુરાની સૌરભ નર્સરી, ચાંદખેડાની વિશ્વકર્મા નર્સરી અને સાયન્સ સિટી નર્સરીમાંથી આ રોપા ખરીદી શકાશે.
માત્ર ₹10 માં મળશે આ છોડ
ડાયાન્થસ, પેટુનિયા અને કેલેન્ડુલા જેવા ફૂલોના છોડ દીઠ ₹10 માં મળશે, જ્યારે કુંડામાં ગુલાબ ₹350 માં અને પોઈન્સેટિયા ₹150 માં ઉપલબ્ધ થશે. આ છોડ 5 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી મળશે.
ચાલુ વર્ષે ફ્લાવર શોમાં તોતિંગ ખોટ
ઉલ્લેખનીય છે કે, સત્તાધીશોએ આ વર્ષે ફ્લાવર શોને સફળ બનાવવા 17 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ફ્લાવર શોને નબળો પ્રતિસાદ મળતાં તારીખ લંબાવવામાં આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો થયો નહોતો. ચાલુ વર્ષે ફ્લાવર શોમાં વાસ્તવિક ખર્ચ છુપાવવામાં આવ્યા બાદ દેખીતી રીતે પાંચ કરોડ રૂપિયાથી વધુની ખોટ થઈ હોવાનું સામે આવ્યું હતું.
છેલ્લાં પાંચ વર્ષના ફ્લાવર શોનાં મુલાકાતીઓ, આવક અને ખર્ચના આંકડા પર નજર કરતાં સ્પષ્ટ જણાય છે કે, ફ્લાવર શોના આયોજન પાછળ થતાં ખર્ચમાં એકદમ જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. 2020 અને 2022-23ના ફ્લાવર શોના આયોજનમાં સામાન્ય ખર્ચ કરાયો હતો છતાં મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી. તેમજ ખર્ચ સામે નહીંવત ખોટ થઈ હતી.
2025 અને 2026માં યોજાયેલા ફ્લાવર શો પાછળનાં ખર્ચ કરોડો રૂપિયા પર પહોંચ્યો છે અને તેની સામે આવક એટલી થઈ નથી. ફ્લાવર શોમાં દર વર્ષે ખર્ચ કરતાં આવકમાં નુકસાન જ થાય છે તેમ છતાં તેને નુકસાન કે ખોટ ગણવામાં આવતી નથી.



