અમદાવાદ ફ્લાઇટ ક્રેશનો તપાસ રિપોર્ટ 48 કલાકમાં આવશે!

અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ ગણતરીની સેકન્ડમાં શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ વિમાન દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, જ્યારે આ દુર્ઘટનાને લઈ એજન્સી દ્વારા પ્રારંભિક રિપોર્ટ સરકારને સોપી દેવામાં આવ્યો હતો. હવે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. આ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટમાં સવાર 241 મુસાફર સહિત 260થી વધુ લોકોના મોત થયા હતા.
નવમી જુલાઈ 2025ના યોજાયેલી પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં AAIBના ડિરેક્ટર જનરલ જી.વી.જી. યુગંધરે જણાવ્યું હતું કે પ્રારંભિક રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર થશે. પરંતુ સૂત્રો અનુસાર, આ રિપોર્ટ 48 કલાકમાં સામે આવી શકે છે. બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડર સુરક્ષિત મળી આવ્યા હતા અને તેના ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું હતું. દુર્ઘટના પાછળનું સચોટ કારણ જાણવા માટે સઘન તપાસ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’
સંસદીય બેઠકમાં સાંસદોએ ઉડ્ડયન સુરક્ષા અને નિયમનકારી મુદ્દાઓ ઉઠાવ્યા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા એક રડાર પર 30 ફ્લાઇટ્સનું નિરીક્ષણ થાય છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા વધુ છે એમ સાંસદોએ નોંધ્યું. આનાથી માનવીય ભૂલની શક્યતા વધે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)માં અડધા પદો ખાલી હોવાની ચિંતા પણ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના બાદ સ્થાનિક ફ્લાઇટ્સમાં 8 ટકા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં એક ટકાથી ઓછો ઘટાડો નોંધાયો. સાંસદોએ એરપોર્ટ નજીકના વિસ્તારોમાં અનિયંત્રિત શહેરીકરણ પર પણ ચિંતા વ્યક્ત કરી. અગાઉ 28 જૂનના રોજ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, તપાસમાં કાવતરાં સહિત તમામ શક્યતાઓની ચકાસણી થઈ રહી છે.