અમદાવાદના શાહીબાગમાં નશામાં ધૂત યુવકની ટીઆરબીના જવાન સાથે મારામારી, જુઓ વીડિયો

અમદાવાદ: અમદાવાદમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોનાં આતંકની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હાલ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર નશામાં ધૂત એક યુવક અને ટ્રાફિક પોલીસના જવાન વચ્ચે મારામારીની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાનો વાયરલ થયેલો વિડીયો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે.
યુવક અને TRBના જવાન વચ્ચે જાહેરમાં મારામારી
શહેરનાં શાહીબાગ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નશાખોર યુવક અને TRBના જવાન વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. શાહીબાગ પોલીસે આ મામલે નશાખોર યુવક વિનોદ પરમાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: વકફ કાયદા અંગે જમ્મુ કાશ્મીર વિધાનસભામા મારામારી, આપના ધારાસભ્ય મેહરાજ મલિકને માર મરાયાનો આક્ષેપ
વીડિયોમાં TRB જવાનના હાથમાં લાકડી
મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં TRB જવાન પ્રકાશ પટણી અને અન્ય એક યુવક વિનોદ પરમાર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડની બીજી તરફ બંને બાખડી રહ્યા છે અને વાહનોની અવરજવરના કારણે ઘટના સ્પષ્ટ દેખાતી નથી.
જો કે, વીડિયોમાં TRB જવાનના હાથમાં લાકડી દેખાય છે, જેને યુવકે પકડી રાખી છે. ત્યારબાદ જવાન લાકડી છોડાવીને યુવકને મારતો જોવા મળે છે. યુવક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે કે આ મારામારી કયા કારણોસર થઈ અને વાસ્તવમાં વાંક કોનો હતો.