અમદાવાદમાં 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી: પોલીસે કઈ રીતે કર્યો રેકેટનો પર્દાફાશ, જાણો?
અમદાવાદ

અમદાવાદમાં 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી: પોલીસે કઈ રીતે કર્યો રેકેટનો પર્દાફાશ, જાણો?

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ ડિજિટલ ધરપકડ ગેંગના સભ્યોની ધરપકડ કરી છે.

આરોપીઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઈડીના કર્મચારી હોવાનું જણાવતા અને ફરિયાદીઓ ડરાવી ધમકાવીને રૂપિયા ખંખેરતા હતાં. આ કેસમાં પહેલા આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને ધમકાવ્યા હતાં.

મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની આપી હતી ધમકી
આરોપીઓએ પહેલા કહ્યું કે, ‘નરેશ ગોયલ જેટ એરવેઝ કૌભાંડ મની લોન્ડરિંગ’ મામલે કેનેરા બેંક મુંબઈના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા થયા હતા. આમાં ફરિયાદીનું નામ મની લોન્ડરિંગ ગુના સાથે જોડાયું હોવાનું પણ કહ્યું હતું.

ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી કે, આ ગુનામાં તેમની સંડોવણીની તપાસ માટે તેમને 40 દિવસના કોર્ટ રિમાન્ડમાં ધરપકડ કરવામાં આવશે અને જો તેમણે આ વાત કોઈને કહી તો તે રાષ્ટ્ર વિરોધી કૃત્ય માનવામાં આવશે. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ સહકાર આપશે તો તેમને દિલ્હી બોલાવવામાં આવશે નહીં અને ઓનલાઈન કોર્ટમાં હાજર રહેવું પડશે.

વૃદ્ધ વ્યક્તિ પાસેથી કુલ 8.5 કરોડ રૂપિયા ખંખેર્યાં
ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે નકલી કોર્ટ બનાવીને કાર્યવાહી પણ શરૂ કરી હતી. આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને એક લેટર પણ મોકલ્યો હતો. જેમાં ગુના અંગે ઓનલાઈન કોર્ટમાં હાજર રહેવા અંગે લખવામાં આવ્યું છે.

આવા કેસમાં ફસાવીને પહેલા વૃદ્ધ વ્યક્તિ પાસે શેર વેચાવ્યા હતા. ઓરોપીઓએ કુલ 8.5 કરોડ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. તપાસ પૂર્ણ થયા બાદ તમામ રૂપિયા પાછા મળી જશે તેવું કહીને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતાં.

અમરેલીના આસિફ સાથે પોલીસે ત્રણ આરોપીઓનો દબોચ્યાં
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફરિયાદીનો ‘બાલાજી ખીરુ એન્ડ ફાસ્ટ ફૂડ’ના નામે એક 80 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતું પપ્પુ સિંહનું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પપ્પુ સિંહ નારોલનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનનો છે.

પપ્પુ સિંહની ધરપકડ બાદ અમરેલીના આસિફ શાહ અને ઉત્તર પ્રદેશના વિકાસ કુમારની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી કુલ 32 મોબાઈલ, 2 લેપટોપ, 1 એટીએમ સ્વાઈપ મશીન, 6 પાસબુક, 21 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 6 સ્ટામ્પ અને પાંચ પેનડ્રાઈવને જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ પાસે કુલ 272 એક્ટિવ સીમકાર્ડ પણ મળી આવ્યં છે.

આ રીતે ચાલતું હતું છેતરપિંડીનું સમગ્ર કૌભાંડ
આ ગેંગમાંથી આસિફ શાહ બેંક ખાતાઓ કમીશન પર આપતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. બીજી બાજુ વિકાસ કુમાર જેણે આસિફને કરોડો રૂપિયા હોય તેવા બેંક ખાતા શોધવાનું કહ્યું હતુ. ત્યાર બાદ પપ્પુ સિંહના બેંક ખાતાની વિગતો આસિફને આપવામાં આવી હતી.

પપ્પુ સિંહનું બેંક ખાતુ 5 કરોડની લિમિટ વાળું છે. આ દરેક બાબતોની વિગતો ટેલિગ્રામ દ્વારા એકબીજાને શેર કરવામાં આવી હતી. અત્યારે પોલીસે આસિફ શાહ, વિકાસ કુમાર અને પપ્પુ સિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગેઆગળની તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button