
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 31 પર પહોંચ્યો છે. ગુરુવારે શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વઘારાને લઈ તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
શહેરમાં કોરોનાના વધતાં કેસ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું, હાલ કોરોનાનો કોઈ પણ કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી. સિવિલ હોસ્પિટલની તૈયારીઓ પૂર્ણ છે અને લોકોને ચિંતા કરવાની જરૂર નથી. લોકોએ શાંતિ જાળવી રાખવી જોઈએ અને ડરવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ, ઓક્સિજન અને બેડની સુવિધા છે.
રાજ્યમાં મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ એક્ટિવ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. રાજ્યમાં કોવિડ ટેસ્ટિંગનું પ્રમાણ વધતાં એક્ટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. તબીબો પણ ગભરાવાના બદલે સાવચેતી રાખવાની તથા ભીડથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે.
કોરોનાના લક્ષણો
કોરોનાના લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, સ્વાદ કે ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, નાક બંધ થવું કે વહેવું, ઉબકા, ઉલટી અથવા ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આવા લક્ષણો દેખાય તો નાગરિકોએ તાત્કાલિક નજીકની આરોગ્ય સુવિધામાં જઈ સારવાર લેવી જોઈએ. આરોગ્ય વિભાગે નાગરિકોને બીમાર હોય તો ઘરે રહેવા અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવા પણ સૂચના આપી છે.
આ રાજ્યમાં માસ્ક કરવામાં આવ્યું ફરજિયાત
કોરોનાના વધતા જોખમને રોકવા માટે આંધ્રપ્રદેશના આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે ભીડભાડવાળા સ્થળો જેવા કે જાહેર પરિવહન, શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. આ ઉપરાંત, નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે એડવાઈઝરી બહાર પાડી હતી.જેમાં નાગરિકોને સતર્ક રહેવા અને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય સેવાઓનો સંપર્ક કરવા જણાવાયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડીઃ અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા