ગરબા રસિકો માટે માઠા સમાચાર, અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

અમદાવાદઃ નવરાત્રિ ગુજરાતીઓ માટે અતિ પ્રિય તહેવાર છે. ગરબા રસિકો નવરાત્રિ દરમિયાન ખૂબ ગરબે રમતા હોય છે. પરંતુ આ વર્ષે ગરબા રસિકો માટે માઠા સમાચાર છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ 2025 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા પછી માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પહેલા 2024માં મોડી રાત સુધી ગરબા રમવા માટેની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે એવી કોઈ છૂટ આપવામાં આવી નથી. આ વર્ષે રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

12:00 વાગ્યા સુધી જ રાસ-ગરબા-દાંડિયા રમી શકાશે
જાહેરનામાની વાત કરવામાં આવે તો, તારીખ 22/09/2025થી તારીથ 01/10/2025 સુધી નવરાત્રિના 10 દિવસ અને તારીખ 02/01/2025 દશેરાના રોજ 1 દિવસ રાત્રિના 10:00 થી 12:00 વાગ્યા સુધી જ રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રિની ઉજવણી અંગેના માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે. ત્યાર બાદ એટલે કે, રાત્રિના 12:00 કલાક પછી માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં. જો કોઈએ જાહેરનામાનો ભંગ કર્યો તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં ડીજે ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ગરબા આયોજકોએ એક બીજી વાતનું પણ ધ્યાન રાખવું પડશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે હોસ્પિટલ/શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસ 100 મીટર સુધીના વિસ્તારમાં માઈક સિસ્ટમ/લાઉડ સ્પીકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સાથે વાહનચાલકો માટે પણ ખાસ સૂચના છે કે તારીખ 02/10/2025ના રોજ દશેરાના દિવસે સવારે 08 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ પ્રકારના પ્રતિબંધિત ભારે વાહનોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, ગરબા આયોજકોની ચિંતા વધશે…