અમદાવાદમાં સાત વર્ષના બાળકના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢતા મળ્યું નવજીવન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ 7 વર્ષના બાળકના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢતા નવજીવન મળ્યું હતું. લાંબા સમયથી બાળકને પેટમાં દુખાવો સહિત અન્ય સમસ્યા રહેતી હતી. ડોક્ટરની ટીમ દ્વારા જટીલ સર્જરી કરવામાં આવ્યા પછી નવજીવન આપ્યું હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.
બાળકનું નામ શુભમ નિમાના છે, જે દુર્લભ બીમારાથી પીડાતો હતો. મૂળ મધ્ય પ્રદેશના રતલામમાં રહેતા 7 વર્ષની શુભમના પેટ અને નાના આંતરડામાંથી વાળ, ઘાસ અને પગરખાંના દોરાનો ગુચ્છો સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળક હવે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.
આ કેસમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ વિગતો આપતા જણાવ્યું કે, આ છોકરાને છેલ્લા 2 મહિલાની પેટમાં દુઃખાવો થયો હતો. એટલું જ નહીં પરંતુ વારંવાર ઉલટી થવી અને વજન પણ ઘટી રહ્યું હતું. મધ્ય પ્રદેશની ખાનગી હોસ્પિટલમાં 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પણ શુભમના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર આવ્યો નહોતો, જેથી તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં જ્યારે સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં વાળનો ગુચ્છો છે.
સર્જરી કરીને વાળનો ગુચ્છો બહાર કાઢ્યો

તમામ રિપોર્ટ્સ કર્યા બાદ એક જટિલ શોધક લેપ્રોટોમી સર્જરી કરવામાં આવી અને ઓપરેશનને સફળતાપૂર્વક પૂર કરીને વાળનો ગુચ્છો બહાર કાઢવામાં આવ્યો હતો. વધુમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ સર્જરી ડૉ. જયશ્રી રામજીના નેતૃત્વમાં ડૉ. શકુંતલા ગોસ્વામી અને ડૉ. ભરત મહેશ્વરીની ટીમે ઓપરેશન માટે એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું. અત્યારે બાળકની સ્થિતિ એકદર સારી છે.
બેઝોઅર્સ ચાર મુખ્ય પ્રકારના હોય છે
ડૉક્ટરે જણાવ્યું હતું કે, બાળકોમાં ટ્રાઇકોબેઝોઅર્સ અથવા વાળના ગુચ્છો થયો એ ખૂબ જ દુર્લભ સમસ્યા છે. બેઝોઅર્સ ચાર મુખ્ય પ્રકારના હોય છે, તેમાં એક ટ્રાઇકોબેઝોઅર્સ જે વાળનો ગુચ્છો છે, બીજું ફાયટોબેઝોઅર્સ જે વનસ્પતિ અથવા ફળના રેસાનો ગુચ્છો છે, ત્રીજુ લેક્ટોબેઝોઅર્સ જે દૂધના ગઠ્ઠા છે અને ચોથું ફાર્માકોબેઝોઅર્સ જે દવાના ગઠ્ઠા છે. આના કારણને પેટમાં સોજો આવવો, ઉલટી થવી, વજન ઘટી જવું અને ભૂખ ના લાગવી જેવી સમસ્યાઓ આવે છે. જો નામું બેઝોઅર્સ હોય તે તો એન્ડોસ્કોપી દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ જો બેઝોઅર્સ મોટું હોય તો તેના માટે સર્જરી કરવી પડે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળકોનું ખાસ ધ્યાન રાખે તેવું પણ ડૉક્ટરે જણાવ્યું છે.