અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યા અદ્યતન મશીનો, કેન્સરના નિદાનના 10 રીપોર્ટ માત્ર 1 કલાકમાં મળશે…

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ) કેન્સરના નિદાન માટે એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દ્વારા હોસ્પિટલના ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં રૂપિયા 44 લાખની કિંમતના બે અત્યાધુનિક, જર્મન ટેકનોલોજીના પેટ સીટી અને સ્પેક્ટ સીટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે. અહીં લોકોને સારી સારવાર મળતી હોય તેવું દર્દીઓ ઘણીવાર જણાવતા હોય છે. આ સાથે અમદાવાદ સિવિલમાં મોટા ભાગે તમામ પ્રકારની સુવિધા હોવાનો દાવો પણ કરવામાં આવેલો છે.
આ અંગે શું બોલ્યા જીસીઆરઆઈના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યા?
આ લોકાર્પણ અંગે વાત કરતા જીસીઆરઆઈના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે, અત્યાધુનિક સીટી અને સ્પેક્ટ સીટી મશીનોની મદદથી દર્દીના આખા શરીરનું સ્કેનિંગ માત્ર 5 મિનિટમાં કરી કરાશે અને માત્ર 5 જ મિનિટમાં કેન્સરગ્રસ્ત અંગનું સચોટ નિદાન કરી શકાશે. અત્રે મહત્વની વાત એ છે કે, આ પહેલા 1 કલાકમાં માત્ર 4 રિપોર્ટ થતા હતા, તે હવે વધીને 10 થઈ જવાના છે, જેથી સારવાર ઝડપી બનશે અને લોકોને સારી સારવાર મળી રહેશે.
સારવાર ખર્ચ હવે માત્ર અડધો થઈ જશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જ્યાં ખાનગી સેન્ટરોમાં આ રિપોર્ટનો ખર્ચ 25 થી 40 હજાર રૂપિયા થતો હોય છે, તે જ રિપોર્ટ જીસીઆરઆઈમાં માત્ર 10 થી 15 હજાર રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ મશીનો હૃદયની સ્થિતિ, કાર્ડિયાક પ્લાનિંગ અને વિવિધ પ્રકારના કેન્સરના નિદાનમાં મદદરૂપ થશે.
સિવિલની સ્પાઈન ઇન્સ્ટિટ્યુટના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ વિભાગમાં ઓએનજીસી દ્વારા સીએસઆર હેઠળ 20 લાખ રૂપિયાના 3 અદ્યતન મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધા દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. અમદાવાદ સિવિલમાં સારવાર માટેના મશીનોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.



