નવી સિવિલ બનતા પહેલા વિવાદોના વંટોળમાં, મંદિર ખસેડવા સુપરિન્ટેન્ડેન્ટ પહોંચ્યા ભુવાના શરણે, વાયરલ વીડિયો જુઓ…

અમદાવાદ: ગુજરાતમાં અવાર નવાર અંધ શ્રદ્ધાથી ઠગાઈ થવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આ ધૂતારાઓને રોકવામાટે સરકાર પણ કડક પગલા લેતી હોય છે. આ વચ્ચે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો વીડિયો વાયરલ છે. થોડા સમયથી સિવિલ હોસ્પિટલના ખોડિયાર માતાના મંદિરને ખસેડવાની ચર્ચા ચાલી રહી છે. આ મંદિરને લઈ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી મંદિર ખસેડવા માટે પૂજારી પાસે ‘દાણા’ જોવડાવતા હોય તેવા વીડિયોએ વિવાદ સર્જ્યો છે.
મંદિર ખસેડવાનો મામલો
સૂત્રોની જાણકારી પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ માટે જૂની ઇમારતો તોડવી પડશે, જેમાં કેમ્પસમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ આવે છે. સ્થાનિક લોકો અને ભક્તો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વિવાદ વધતાં ડૉ. રાકેશ જોષીએ પૂજારી પાસે ‘દાણા’ જોવડાવીને માતાજીની ‘રજા’ લેવાનો પ્રયાસ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પૂજારીની સ્પષ્ટતા
મંદિરના પૂજારી સંદીપ દવેએ આ મામલે સ્પષ્ટતા આપી જણાવ્યું કે ડૉ. જોષી મંદિર ખસેડવા અંગે ચર્ચા કરવા આવ્યા હતા. પરંપરા મુજબ ‘દાણા’ જોવાયા, પરંતુ માતાજીએ મંદિર ખસેડવાની મંજૂરી ન આપી. પૂજારીએ કહ્યું, “આ અંધશ્રદ્ધા નથી, પરંપરા છે. માતાજીએ સૂચવ્યું કે આ જગ્યા છોડીને કામ શરૂ કરો.”
લોકોનો વિરોધ અને ચર્ચા
સ્થાનિક લોકોનો વિરોધ અને વાયરલ વીડિયોને કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની. એક તરફ રાજ્ય સરકાર અંધશ્રદ્ધા નાબૂદી માટે પગલાં લઈ રહી છે, ત્યારે આવી ઘટનાએ ફરી અંધશ્રદ્ધાને લઈ ચર્ચા જગાવી છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈ સોશિયલ મીડિયા પર બે પક્ષો બન્યા છે. જ્યાં એક પક્ષ આ ઘટનાને ધાર્મિક લાગણીઓનું સન્માન માને છે, તો કેટલાક આ ઘટનાને અંધશ્રદ્ધા ગણાવી વિરોધ નોંધાવી રહ્યા છે.