ત્વચા દાનમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોખરે, સ્કીન બેંક દ્વારા 18મું દાન સ્વીકાર્યું

અમદાવાદ: આજના સમયમાં અંગદાન થકી અનેક જીવનમાં રંગ ભરી શકાય છે. અંગદાનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ અગ્રેસર રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. 18 મે ના રોજ વધુ એક સફળ અંગદાન થયું હતું. શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોની બ્રેઇનડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે ઉમદા નિર્ણય લઇને તેમના બે કિડની, લીવર, બે આંખો અને ચામડીનું દાન કર્યું હતું.
હેમંત સોનીને તા. 16 મે ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લગભગ 48 કલાકની સઘન સારવાર છતાં તેઓને તા. 18 મેના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમે હેમંતભાઇના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું, જેના પરિણામે તેમના માતા શારદાબહેને ભારે હૃદયે પુત્રના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.

સંમતિ મળ્યા બાદ હેમંત સોનીના અંગોને રીટ્રાઇવ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમના બે કિડની અને લીવરનું દાન મળ્યું હતું, જે સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમની બંને આંખો એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી છે અને ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 635 અંગોનું દાન મળ્યું
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી 635 અંગોનું દાન મળ્યું છે, જેના દ્વારા 616 વ્યક્તિઓમાં નવા જીવનનો પ્રકાશ ફેલાવી શકાયો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 18 ત્વચાના દાન મળ્યા છે.