હવે ગૂગલને બદલે ફેમિલી ડૉક્ટર બની ગયું છે AI : જાણો એક્સપર્ટ શું ચેતવણી આપી રહ્યા છે?
અમદાવાદ

હવે ગૂગલને બદલે ફેમિલી ડૉક્ટર બની ગયું છે AI : જાણો એક્સપર્ટ શું ચેતવણી આપી રહ્યા છે?

અમદાવાદ: ટેકનોલોજી આગળ વધતા માણસની કોઈ નિષ્ણાતની જરૂર પડતી નથી. આંગળીના ટેરવે બધી માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. એમા પણ જ્યારેથી AIનો આવેશકાર થયો છે, ત્યારથી જીવન જરૂરીયાતના મોટાભાગના કામ માટે AI પર આધારી રાખીએ છીએ.

પછી ભલે તે કોઈ માહિતી જોઈતી હોય કે ડોક્ટરની સલાહ લેવાની હોય. ચામડીની ફોલ્લીઓથી લઈને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધી, લોકો એઆઈની સલાહ પર આધાર રાખીને ચોક્કસ દવાઓ કે ટેસ્ટની માગ કરે છે.

જોકે, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે એઆઈના જવાબો ઘણીવાર અધૂરા કે ખોટા હોય છે, જેનાથી ખોટું નિદાન, અયોગ્ય સારવાર અને ગંભીર આરોગ્ય જોખમો ઊભા થઈ શકે છે.

ખોટી સલાહથી વધતી સમસ્યા
આવો જ એક કિસ્સો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી સામે આવ્યો છે. 44 વર્ષના પુરુષ જેના હાથ પર ફોલ્લીઓ હતી. તેના પુત્રએ એઆઈ એપની સલાહ પર એન્ટી-ફંગલ ક્રીમ લગાવી.

પરંતુ સ્થિતિ વધુ ખરાબ થઈ. ડૉક્ટરોએ તપાસ કરતા જાણવા મળ્યું કે તે ફંગલ ઇન્ફેક્શન નહીં, પરંતુ સોરાયસિસ હતું, અને ક્રીમથી આ બીમારી વધી ગઈ હતી. આવા કિસ્સાઓ દર્શાવે છે કે એઆઈની સલાહ પર આંધળો ભરોસો ખતરનાક સાબિત થઈ શકે છે.

ચામડીના રોગ નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા દર્દીઓ એઆઈનો ઉપયોગ કરીને પોતાનું નિદાન કરી લે છે. ફોલ્લીઓને ફંગલ ઇન્ફેક્શન, વાળ ખરવાને વિટામિનની ઉણપ અથવા મોંઘા સ્કેન કે હોર્મોનલ ટેસ્ટની માગણી એઆઈની સલાહથી થાય છે.

નિષ્ણાત ડોક્ટરો પ્રમાણે “ચામડીના રોગ સામાન્ય રીતે એક સરખા જેવા જ દેખાતા હોય છે. લાલ ફોલ્લી એલર્જી, સોરાયસિસ, ફંગલ ઇન્ફેક્શન કે દુર્લભ કિસ્સામાં સ્કિન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. એઆઈની સલાહ વગર દેખરેખે ક્રીમનો ઉપયોગ કે બિનજરૂરી દવાઓ લેવાથી સારવારમા વિલંબ થઈ શકે છે.”

માનસિક સ્વાસ્થ્યમાં એઆઈનું જોખમ
માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ વધુ જોખમી છે. આ વિષય પર નિષ્ણાંત ડોક્ટર જણાવે છે કે, “એઆઈ જટિલ માનસિક લક્ષણોને સરળ બનાવી દે છે. બાયપોલર ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિને ફક્ત તણાવ હોવાનું કહેવાય છે, અથવા ગંભીર ડિપ્રેશનવાળાને ધ્યાન કે જીવનશૈલી બદલવાની સલાહ આપવામાં આવે છે.

જ્યારે આવા દર્દીઓ અમારી પાસે પહોંચે છે, ત્યાં સુધીમાં તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી હોય છે.” ઉદાહરણ તરીકે, એક યુવા વ્યાવસાયિકે એઆઈની સલાહ પર નિંદ્રા માટે ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લીધી, જેનાથી તેને દવાઓની ટેવ અને ગંભીર ચિંતા થઈ, અને તેને મનોચિકિત્સકની સારવારની જરૂર પડી.

ડૉક્ટરોનું મહત્વ અને એઆઈની મર્યાદા
એઆઈ જાગૃતિ વધારી શકે છે, પરંતુ તે ડૉક્ટરના ક્લિનિકલ નિર્ણયનું સ્થાન નથી લઈ શકતું. ડૉક્ટરો દર્દીનો તબીબી ઇતિહાસ, જીવનશૈલી, કૌટુંબિક પૃષ્ઠભૂમિ, શારીરિક તપાસ અને લેબ ટેસ્ટના આધારે નિદાન કરે છે. ટેકનોલોજી માર્ગદર્શન આપી શકે, પરંતુ તે દર્દીની સામેની વાસ્તવિક સ્થિતિ નથી જોઈ શકતી.

નિદાન ફક્ત લક્ષણોને મેચ કરવું નથી, પરંતુ સમગ્ર વ્યક્તિને સમજવું છે. નિષ્ણાતો સલાહ આપે છે કે એઆઈનો ઉપયોગ માત્ર સંદર્ભ માટે કરવો જોઈએ, અને જો લક્ષણો ચાલુ રહે તો લાયક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો…UIDAIએ દેશભરની શાળાઓને 5થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે સમયસર આધાર મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સુનિશ્ચિત કરવા હાકલ કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button