
અમદાવાદઃ અમદાવાદ શહેરના વિરાટનગર ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલી GJ-01-KU-6420 નંબરની સફેદ રંગની મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળી આવતા શહેરમાં ખળભળાટ મચ્યો હતાં. મૃતકની ઓળખ પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂડાણી તરીકે થઈ હતી.
મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ સાથે પૂછપરછ કરી તે દરમિયાન બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
આખરે શા માટે અને કોણ આ બિલ્ડરની હત્યા કરાવી હતી?
હત્યાના આરોપમાં હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ, પપ્પુ હિરાજી મેઘવાલ અને એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી લીધી હતી. પોલીસે રાજસ્થાનના શીરોહીથી ધરપકડ કરી હતી. આ યુવકોએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમત રૂડાણીની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે, હિંમત રૂડાણીની હત્યા માટે તેમના પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું છે કે, મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીએ હિંમત રૂડાણીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. જેથી પોલીસ દ્વારા મનસુખ લાખાણીની અટકાયત કરી લેવામાં આવી છે.
ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ
મોડી રાતે કારમાંથી આવતી તીવ્ર દુર્ગંધને પગલે રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કારની ડેકીમાંથી એક લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મોબાઈલ કૉલ ડીટેલ્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી .
રાહુલ અને પપ્પુએ હિંમત રૂડાણીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપી મનસુખ લાખાણી અને મૃતક હિંમત રૂડાણી સાથે કામ કરતા હતા. 2024મા રૂપિયાની લેતીદેતી મામલે કોઈ અણબનાવ બન્યો હતો. આ મામલે તે વખતે પોલીસ ફરિયાદો પણ થઈ હતી. રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોર એક દોઢ વર્ષ પહેલાં મનસુખ લાખાણીને ત્યાં ગાર્ડ તરીકે કામ કરતો હતો.
જેથી તેને વિશ્વાસમાં લઈને મનસુખ લાખાણીએ 50 હજાર આપીને આ હત્યા કરવા માટેની સોપારી આપી હતી. આ હત્યાનો સમગ્ર પ્લાન રાહુલ અને પપ્પુ બન્યો હતો. પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્યા નહીં, અને પકડાઈ ગયાં હતાં. અત્યારે તમામ આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં બિલ્ડરની હત્યા! મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી લાશ, 3 જણની ધરપકડ