અમદાવાદ

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં બિસ્માર રોડ પાછળ રૂપિયા 2605 કરોડનું આંધણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરમાં નવા રોડ પાછળ જ્યારે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તેમ છતાં પણ દર ચોમાસામાં માર્ગો તૂટી જાય છે અને રસ્તાના પરના ખાડા પૂરવા માટે ફરી કરોડોનો ખર્ચ કરવો પડે છે. બજેટના આંકડા જોઇએ તો છેલ્લા બે વર્ષમાં રોડ પાછળ મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા રૂપિયા 2605 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. મનપાના અધિકારીઓને પણ બીજા પ્રોજેક્ટ કરતા રોડ બનાવવામાં વધુ રસ પડે છે. તેમાં લાંચનું માર્જીન પણ વધુ હોય છે.

પ્રી-મોન્સૂન રિપેરિંગના નામે કરોડો રૂપિયાનો ધુમાડો

દર વર્ષે ચોમાસું આવે એટલે અમદાવાદમાં પ્રી-મોન્સૂન રિપેરિંગના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, રોડ બને અને તરત ડ્રેનેજ કે વોટર ડિપાર્ટમેન્ટ દ્વારા પાઇપલાઇનના બહાને રોડ તોડી દે છે મનપામાં પણ સંકલનનો અભાવ છે. શહેરના દરેક વિસ્તારોમાં રોડની હાલત લગભગ એક સમાન જેવી છે. ક્યાંક પેચવર્ક, ક્યાંક અધૂરું ડામરકામ, તો ક્યાંક ખાડામાં પાણી ભરાયેલું. આ બધું નાગરિકોની રોજિંદી મુસાફરીને જોખમભરી બનાવી દે છે. કરોડો રૂપિયાનો લોકો ટેક્સ આપે છે, પરંતુ સુવિધાના નામે લોકોને માત્ર ખાડા જ મળે છે.

આ પણ વાંચો : કાગળ પર કરોડોનો વેપાર: બોગસ બિલિંગ કૌભાંડમાં અમદાવાદ ગુજરાતમાં ટોચ પર

અધૂરા કે ખામીયુક્ત કામના પણ કેમ બિલ પાસ થઈ જાય છે?

રોડ પાછળ થતો ખર્ચ નાગરિકોના ટેક્સના પૈસાથી થાય છે. છતાં, કામમાં પારદર્શિતા નથી દેખાતી! ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટર પસંદગી અને કામની દેખરેખમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર સાંભળવા મળે છે. ઘણી વખત કામ અધૂરું કે ખામીયુક્ત હોવા છતાં બિલ પાસ થઈ જાય છે. આખરે આવું શા માટે? કેમ લોકોના પરસેવાના રૂપિયાનું પાણ કરવામાં આવી રહ્યું છે? મનપાના અધિકારીઓ માત્ર એસી વાળી ઓફિસમાં બેસીને કામ કરે છે. તેમને રસ્તા પર ઉતરીને તપાસ કરવી જ નથી કે કેવું કામ થઈ રહ્યું છે? આ તમામ બાબતોમાં પરેશાન તો લોકો જ થાય છે.

દર વર્ષે 1000 કરોડથી વધુનો ખર્ચ માત્ર રોડ પાછળ થાય છે

રોડના ખર્ચ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2023-24માં 325 કિ.મી.ના રોડ બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળ રૂપિયા 1552 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે રૂપિયા 1053 કરોડનો ખર્ચ રોડ પાછળ કરવામાં આવ્યો છે તેમાં વ્હાઇટ ટોપિંગ રોડ તથા બીટ્યુમીન રોડનો પણ સમાવેશ થાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પરિણામ તો શૂન્ય જ છે! આ બધામાં સૌથી મોટી સમસ્યા છે જવાબદારીનો અભાવ છે. રોડ બગડે તો કોન્ટ્રાક્ટર જવાબદાર નથી, અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી અને અંતે નાગરિકોએ જ તકલીફ સહન કરવી પડે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button