
અમદાવાદઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે સરકારી શાળાના શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. જોકે, BLO પર ખોટી રીતે કામગીરીનું દબાણ કરાઇ રહ્યું હોવાના પગલે રાજ્યમાં ચાર દિવસમાં ચાર BLOનાં મોત થઈ ચૂક્યા છે. ત્યારે હવે આ વિરોધ ધીમેધીમે આકરુ સ્વરૂપ લઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધના સુર ઉઠી રહ્યા છે. પરંતુ બીજી તરફ શિક્ષકોને ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ આપવા માટે નોટિસ ઇશ્યૂ કરાવામાં આવી રહી છે.
શિક્ષકોને સસ્પેન્શન ઓર્ડર આપવાની ધમકી
અમદાવાદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ટાર્ગેટ પૂર્ણ ન કરાતા અમદાવાદ સ્કૂલ બોર્ડના જ 450 કરતા વધુ BLOને નોટિસ ઈશ્યૂ કરાઇ હોવાની વિગતો બહાર આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, BLOની કામગીરી કરતા શિક્ષકોને વોટ્સએપ ગ્રૂપમાં સસ્પેન્ડ કરવાની ધમકીથી માંડીને સ્કૂલમાં નહીં જવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. જો બીએલઓ સ્કૂલે ગયા અને SIRની કામગીરી ન થઈ તો સસ્પેન્શનના ઓર્ડર મળી જશે તેવી ધમકી આપવામાં આવી રહી છે. જેને પગલે શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
400થી વધુ શિક્ષકોને નોટિસ
જોકે, આ તમામ ઘટના વચ્ચે પણ અધિકારીઓએ BLO પર દબાણ કરવાનું બંધ ન કર્યું હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં BLOને રોજેરોજની કામગીરીનો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે અને આ ટાર્ગેટ પૂર્ણ ન થતાં BLOને નોટિસ ઈશ્યૂ કરવામાં આવે છે. જેમાં અમદાવાદ મ્યુનિ. સ્કૂલો બોર્ડના જ 450 કરતા વધુ શિક્ષકોને BLO તરીકેનો ટાર્ગેટ પૂર્ણ ન કરવા બદલ નોટિસ મળી ચૂકી છે. આટલું ઓછું હોય તેમ, BLOની કામગીરીને લઈને જે તે વિસ્તારના વોટ્સએપ ગ્રૂપ બનાવાયા છે. જેમાં સુપરવાઈઝર દ્વારા કામગીરીની સમીક્ષા કરાતી હોય છે અને ટાર્ગેટ અપાતો હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ ગ્રૂપમાં જ BLOને માત્ર એન્યૂમરેશન ફોર્મ ભરવાની કામગીરી પતાવવા માટે દબાણ કરાયું છે અને કોઈ પણ BLOએ શાળામાં જવાનું નથી તેવી ખુલ્લી ધમકીઓ આપવામાં આવી છે. જો, કોઈ શિક્ષક સ્કૂલે ગયા અને એન્યૂમરેશન ફોર્મની કામગીરી ન થઈ તો સસ્પેન્શનના ઓર્ડર મળી જશે તેવી ધમકી ગ્રૂપમાં આપવામાં આવી છે. એવું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…વડોદરામાં ચૂંટણી પંચની SIR કામગીરીમાં BLO સહાયકનું મૃત્યુ! ૪ દિવસમાં ૩ શિક્ષકોએ ગુમાવ્યા જીવ…



