અમદાવાદ

અમદાવાદના અસારવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું…

અમદાવાદ: કેન્સર દિવસના એક દિવસ પહેલા જ શહેરના અસારવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા એક આધેડ વયના વ્યક્તિએ અંતે બીમારીના અસહ્ય ત્રાસ અને લાચારીથી કંટાળીને અત્યંત જલદ પગલું ભર્યું હતું. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં, આધેડે અચાનક પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓમાં ઘેરાયેલા વ્યક્તિને જોઈ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાણી છાંટીને આગ ઓલવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો અને તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો…કેન્સર એટલે ‘કેન્સલ’ નહીં: GCRI એ 6 મહિનામાં 50 રોબોટિક સર્જરીનો નવો રેકોર્ડ બનાવ્યો…

આ બનાવ અંગે શાહીબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. ઇન્ચાર્જ પીઆઇ એન. ડી. નકુમના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. આ ગંભીર બીમારીથી કંટાળીને જ તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કેન્સર માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ દર્દીને તોડી નાખે છે. આ ઘટના ફરી એકવાર એ તરફ ધ્યાન દોરે છે કે ગંભીર બીમારીઓ વખતે દર્દીને યોગ્ય સારવારની સાથે માનસિક ટેકા અને કાઉન્સેલિંગની પણ કેટલી જરૂર હોય છે. શાહીબાગ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ મામલે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button