અમદાવાદ

જાતિના દાખલા મુદ્દે અમદાવાદ ભીલ સમાજ આકરા પાણીએ, ચૂંટણી બહિષ્કારની ચીમકી…

અમદાવાદઃ શહેરના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનો એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે ભેગા મળીને વિચાર વિમર્શ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ભીલ સમાજના આગેવાનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભીલ સમાજના આગેવાનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભીલ સમાજના પ્રમુખ મફતભાઈ રાણાએ સરકાર સમક્ષ સમાજની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ. શહેર વિસ્તારમાં રહેતા લોકો આટલા જૂના પુરાવા ક્યાંથી લાવે? આ પદ્ધતિના કારણે ‘ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય’ તેવી સ્થિતિ ઊભી થઈ છે.

લોહીની સગાઇના સંબંધે દાખલો મળે તે પદ્ધતિ પાછી લાવવા માંગ

આ સાથે જે લોકો ખોટા દાખલા લઈને બેઠા છે તે અધિકારીઓ બની ગયા છે, જ્યારે ખરેખર હકદાર લોકો વંચિત રહી જાય છે. પહેલા લોહીની સગાઇના સંબંધોના આધારે દાખલા મળતા હતા, તે પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. ગયા વર્ષે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળવા બોલાવી નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી. આથી, હવે ભીલ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરાશે.

આદિવાસી ભીલ સમાજે સરકારી સુવિધાઓથી વંચિત

ભીલ સમાજના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતા સરકારી લાભો, જેમ કે પ્રિશિપ કાર્ડ અને શિષ્યવૃત્તિ મળતી નથી. તાત્કાલિક ધોરણે આ લાભો શરૂ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ. ઘણાં લાંબા સમયથી તેમને જાતિના દાખલા માટે એક કચેરીથી બીજી કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યાં છે, તેમ છતાં પણ તેમને જાતિનો દાખલો મળતો નથી. તેના માટે આજે અમદાવાદમાં ભીલ સમાજના આગેવાનોની બેઠક મળી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button