અમદાવાદ

AMCનો ઐતિહાસિક નિર્ણય: હવે AMTS અને BRTS બસમાં મુસાફરી માટે ‘સિંગલ ટિકિટ’ મળશે

અમદાવાદ: શહેરના જાહેર પરિવહન માળખાને વધુ આધુનિક અને પેસેન્જરફ્રેન્ડલી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદીઓને AMTS અને BRTS બસમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવી પડતી હતી, પરંતુ હવે ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ’ દ્વારા આ મુશ્કેલીનો અંત આવશે. આ ટેકનોલોજીકલ ક્રાંતિથી લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ, ઝડપી અને અવરોધ રહિત બનશે.

AMCની સ્ટેન્ડિંગ કમિટીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 472 કરોડના બજેટને મંજૂરી આપી છે. આ સિસ્ટમ વિકસાવવા માટે એમેનેક્સ ઇન્ફોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીને 11 વર્ષનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે.

આગામી 12 મહિનામાં આ આધુનિક સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) અમલમાં મૂકવામાં આવશે, જેનાથી ટિકિટ બારીઓ પરની લાંબી કતારો ભૂતકાળ બની જશે.

નવી સિસ્ટમ અમલમાં આવતા જ મુસાફરોને બસના ચોક્કસ સમય અને લોકેશનની લાઈવ માહિતી મળશે. QR કોડ, UPI અને મોબાઈલ એપ જેવા ડિજિટલ માધ્યમોથી ટિકિટ લેવી અત્યંત સરળ બનશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી મેનપાવરની જરૂરિયાત ઘટશે અને ભાડાની વસૂલાતમાં સંપૂર્ણ પારદર્શકતા આવશે. રિયલ-ટાઇમ મોનિટરિંગને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે અને ઈમરજન્સીના સમયે તાત્કાલિક મદદ મળી શકશે.

આ પ્રોજેક્ટનો બીજા તબક્કો વધુ વ્યાપક હશે, જેમાં AMTS અને BRTS ઉપરાંત અમદાવાદ મેટ્રોને પણ આ જ ટિકિટિંગ સિસ્ટમ સાથે સાંકળી લેવામાં આવશે. આનો અર્થ એ કે મુસાફર એક જ કાર્ડ કે ટિકિટનો ઉપયોગ કરીને શહેરના કોઈપણ જાહેર પરિવહન માધ્યમમાં મુસાફરી કરી શકશે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થશે. પરિવહન સેવાઓ વધુ વિશ્વસનીય બનતા લોકો ખાનગી વાહનોને બદલે બસનો ઉપયોગ વધારશે, જેનાથી શહેરમાં ટ્રાફિક અને પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button