અમદાવાદ એરપોર્ટથી નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટથી નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે રૂપિયા 8 કરોડનો 8.400 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. મહત્વની વાત એ છે કે, અત્યારસુધીમાં મોટાભાગે થાઇલેન્ડથી ગાંજો આવતો હતો, પરંતુ હવે વિયેતનામથી પણ ગાંજોની હેરાફેરી થવા લાગી છે. જેના કારણે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રૂપિયા 10 કરોડનું હેરોઇન પણ કબજે કરવામાં આવ્યું

મળતી વિગતો પ્રમાણે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા ત્રણ મહિનામાં 250 કિલો અને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 કિલો મળી કુલ 300 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવાયો છે. આ ગાંજાની કિંમત આશરે 300 કરોડ રૂપિયા થાય છે. ઉપરાંત રૂપિયા 10 કરોડનું હેરોઇન પણ કબજે કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર અત્યારે જવાબદાર તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે નશીલા પર્દાર્થોની હેરાફેરી કરતા લોકોમાં ડર ફેલાયો છે.

સેન્ટ્રલ એજન્સીઓની એરપોર્ટ પર બાજ નજર

એરપોર્ટ પર વધી રહેલી દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ એજન્સીઓએ બાજનજર રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 250 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે, તેની સાથે સાથે સોનાની દાણચોરીના બનાવો પણ વારંવાર બહાર આવતા રહ્યા છે, આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે ‘હોટ ફેવરિટ’ બની ગયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button