Top Newsઅમદાવાદ

અમદાવાદ એરપોર્ટ રૂ. 17 લાખની રોલેક્સ સાથે પેસેન્જર ઝડપાયો: આ રીતે થયો દાણચોરીનો પર્દાફાશ…

અમદાવાદ: દાણચોરી કરનારા લોકો એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓથી બચવા માટે કાયમ અવનવા જુગાડ કરતા હોય છે. પરંતુ તેઓ કસ્ટમ અધિકારીઓની બાજ નજરથી દાણચોરો બચી શકતા નથી. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી રૂ. 17 લાખની કિંમતની રોલેક્સ કંપનીની ઘડિયાળ મળી આવી હતી. પેસેન્જરે આ ઘડિયાળ ક્યાં અને કેવી રીતે છૂપાવી હતી, આવો જાણીએ.

મેટલ ડિટેક્ટરમાં થયો ખુલાસો

દુબઈથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા એક પેસેન્જર પર કસ્ટમ અધિકારીઓએ શંકા ગઈ હતી. જેથી અધિકારીઓએ તે પેસેન્જરની શંકાના આધારે તપાસ કરી હતી. જોકે, શરૂઆતમાં પેસેન્જરે પોતાની પાસે કશું જ નહીં હોવાનો દાવો કર્યો હતો અને અધિકારીઓને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

અધિકારીઓએ જ્યારે પેસેન્જરને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કર્યો, ત્યારે તેના શરીરના કોઈ ભાગમાં વસ્તુ છુપાવવામાં આવી હોવાનું જણાયું હતું. ઇન્ટરોગેશન રૂમમાં તપાસ કરતા, પેસેન્જરના પહેરેલા પેન્ટના પોકેટમાંથી રોલેક્સ કંપનીની ‘ઓયસ્ટર’ ઘડિયાળ મળી આવી હતી. પેસેન્જર પાસેથી ઘડિયાળની ખરીદીનું કાર્ડ (Purchase Card) પણ મળી આવ્યું હતું, જેમાં ખરીદીની તારીખ 5 નવેમ્બર, 2025 દર્શાવવામાં આવી હતી. મોડેલ નંબર 126331ની આ રોલેક્સ ઘડિયાળની કિંમત રૂ. 17 લાખ હોવાનું અધિકારીઓને જાણવા મળ્યું હતું.

ઘડિયાળની તસ્કરીનું નેટવર્ક સક્રિય થયું

કસ્ટમ અધિકારીઓના જણાવ્યાનુસાર, અમદાવાદમાં હવે રૂ. 1 કરોડથી લઈને રૂ. 15-20 કરોડ સુધીની ઘડિયાળોની દાણચોરી શરૂ થઈ ગઈ છે. દાણચોરી કરવા માટે પેસેન્જરને વન-ડે ટિકિટ અને રૂ. 25 થી 30 હજારનું કમિશન આપવામાં આવે છે. જેના કારણે ‘કેરીયર્સ’ તસ્કરી કરવા માટે તૈયાર થઈ જતા હોય છે.

કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘડિયાળ દુબઈમાંથી કોણે ખરીદી અને અમદાવાદમાં કોને આપવાની હતી, તે અંગે પેસેન્જરની પૂછપરછ ચાલી રહી છે. અગાઉ રૂ. 6 કરોડ, રૂ. 8 કરોડ અને રૂ. 12 કરોડની ઘડિયાળો સાથે મહિલા પેસેન્જરની ધરપકડ બાદ છેલ્લા એક વર્ષથી ઇમ્પોર્ટેડ ઘડિયાળોની તસ્કરી બંધ જેવી થઈ ગઈ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button