અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: મલેશિયાથી લવાયેલું 6.8 કિલો હેરોઈન જપ્ત

અમદાવાદ: ગુજરાતનો દરિયાકાંઠો હોય કે હવાઈ માર્ગ, ડ્રગ્સ માફિયાઓ રાજ્યને નશાની જાળમાં ધકેલવાનો સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ ફરી એકવાર મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બાતમી અને બાજ નજર રાખીને કરોડો રૂપિયાના નશીલા પદાર્થ સાથે એક શખસની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં હડકંપ મચી ગયો છે.
મલેશિયાથી આવેલા એક પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સ વિભાગે તેની તપાસ હાથ ધરી હતી. આ શખસ પાસેથી કુલ 6.8 કિલો હેરોઈન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 30 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. સ્મગલિંગની અનોખી રીત અપનાવતા આરોપીએ હેરોઈનને હર્બલ સાબુના જુદા જુદા પેકેટોમાં સંતાડ્યું હતું. X-ray સ્કેનિંગ મશીનને છેતરવા માટે તેણે ડ્રગ્સને સિલ્વર ફોઈલ અને કાર્બન પેપરમાં વ્યવસ્થિત રીતે લપેટ્યું હતું, તેમ છતાં અધિકારીઓની સતર્કતાએ તેને પકડી પાડ્યો હતો.
ઝડપાયેલો આરોપી મૂળ ચેન્નાઈનો રહેવાસી હોવાનું પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, 30 કરોડનું ડ્રગ્સ અમદાવાદ પહોંચાડવા માટે તેને માત્ર 30 હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. આરોપીએ કબૂલાત કરી છે કે તેને આ જથ્થો એરપોર્ટ પર ઉતર્યા બાદ કોઈ ‘કેરિયર’ને સોંપવાનો હતો. જોકે, પેડલર પકડાઈ જતાં મુખ્ય સૂત્રધાર (કેરિયર) અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે અને ફોન ઉપાડી રહ્યો નથી.
સામાન્ય રીતે ભારતીય બજારમાં એક કિલો હેરોઈનની કિંમત 2 કરોડ રૂપિયા જેટલી હોય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ગુણવત્તા મુજબ કિંમત 5 કરોડ સુધી પહોંચી જાય છે. કસ્ટમ્સ વિભાગે હવે આરોપીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. આ કેસમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ અને આ જથ્થો ગુજરાતમાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.



