અમદાવાદ એરપોર્ટ પર AIUની મોટી કાર્યવાહી, બેંગકોક મુસાફર પાસેથી 42 લાખનું વિદેશી ચલણ જપ્ત કર્યું…

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. AIUએ એક વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા 42,06,340ની કિંમતની વિદેશી નોટો જપ્ત કરી હતી. આ ચલણી નોટો જપ્ત કરીને તેના સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે સ્ટમ્સ વિભાગને આરોપીને ઝડપી પાડ્યો
મળતી જાણકારી પ્રમાણે, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ ગુપ્ત રાહે માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર ફ્લાઇટ VZ-571 માં બેઠેલા એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે અત્યંત ચાલાકીથી તેના સામાનમાં વિદેશી નોટો છુપાવી હતી.
વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
વિદેશી નાગરિક પાસેથી કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 100 ડોલરની નોટો (જેની કિંમત અંદાજે 8,91,000) અને 1072 પાઉન્ડ સ્ટર્લિંગની નોટો (જેની કિંમત અનુક્રમે 12,73,300 અને 20,42,040) મળી આવી હતી. આમ, કુલ મળીને 1172 વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી, જેની ભારતીય બજારમાં કુલ કિંમત અંદાજે 42,06,340 જેટલી થવા જાય છે.



