અમદાવાદ

2018માં અમેરિકાની ચેતવણીની અવગણના કરી? પ્લેન ક્રેશ અંગે નવો ખુલાસો

અમદાવાદઃ બારમી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે થયેલી તપાસનો રિપોર્ટ શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગેના રિપોર્ટ પછી અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને દાવોઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તપાસ રિપોર્ટ પછી હવે નવો એક રિપોર્ટ ઉપલબ્ધ થયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં છે. આ રિપોર્ટમાં કુલ 13 મુદ્દા પર વાત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, વિમાન ક્રેશનું કારણ વિમાન ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડ પછી બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય કરતી ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કટઓફ એટલે ઓફ મોડમાં ગયો હતો.

વર્ષ 2018માં જ ખામીયુક્ત સ્વીચની ચેતવણી આપી હતી

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિમાને ટેકઓફ કર્યું તેની એક સેકન્ડ પછી તરત જ બન્ને એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ ગયું હતું. જોકે, આ પ્રાથમિક રિપોર્ટ છે, જ્યારે AAIBનો અંતિમ રિપોર્ટ 12 જૂન, 2026 સુધીમાં આવી શકે છે. અત્યારે તો માત્ર પ્રાથમિક રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયાં હતા. મહત્વની વાત એ છે કે, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ 2018માં બોઇંગ 787 વિમાનમાં ખામીયુક્ત ફ્યુઅલ સ્વીચની ચેતવણી આપી હતી. એક રિપોર્ટમાં FAA (Federal Aviation Administration)એ છેક 2018માં સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફર્મેશન બુલેટિન (SAIB) નો ઉલ્લેખ કર્યો છે, જેમાં બોઇંગ 787 વિમાનમાં ઇંધણ નિયંત્રણ સ્વીચ લોકિંગમાં ખામી હોવાની ચેતવણી આપવામાં આવી હતી. જો, આ ચેતવણી આપી હોવા છતા કેમ તેની અવગણના શા માટે કરવામાં આવી એ સૌથી મોટો સવાલ છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું

પાઇલટે એ જાણી જોઈને કર્યું નહોતું એ વાત નિશ્ચિત છે

એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ પછી 180 નોટ્સ IAS ની મહત્તમ ગતિ પ્રાપ્ત કરી લીધી હતી. ટેકઓફ થયાના એક સેકન્ડ પછી જ એન્જિન-1 ને બળતણ પૂરું પાડતા ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો અને પછી એન્જિન-2 કટઓફ સ્થિતિમાં થઈ ગયા હતાં. બંને એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ ગયું હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. CCTV ફૂટેજ બતાવે છે કે વિમાનનો ‘બેકઅપ’ પાવર સ્ત્રોત ‘રેમ એર ટર્બાઇન’ (RAT) પણ બંધ થયો હતો. આ મામલે પાઇલટ્સનું માનવું એવું છે કે, વિમાનનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કારના ગિયર જેવો નથી હોતો. આમાં લીવરને ઉંચો કરીને આગળ-પાછળ ખસેડે છે. તેને હળવા ટચ કે ખેંચીને આ કરી શકાય નહીં. પાઇલટ્સ વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે વિમાનના પાઇલટે આ જાણી જોઈને કર્યું ન જ હોત. પાઇલટે મેડે કોલ પણ કર્યો હતો.

કંટ્રોલ સ્વીચ લોકિંગમાં ખામીની ચેતવણી આપી હતી

અહીં ચર્ચાની વાત એ છે કે, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા 2018 માં સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફર્મેશન બુલેટિનને ટાંકીને બોઇંગ 787 એરક્રાફ્ટ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગમાં ખામી હોવાની ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ AAIB રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ વિમાન ટેકઓફ થયા તે પહેલા જરૂરી નિરીક્ષણ કર્યું નહોતું! કારણ કે, એર ઇન્ડિયાને તેને માત્ર સલાહ માની હતી. તે મામલે ખાસ કોઈ ધ્યાન આપ્યું નહોતું. આ દુર્ઘટનાની તપાસ મામલે હજી આખરી રિપોર્ટ આવવાનો હજી બાકી છે. તે આવ્યાં બાદ પણ અનેક ખુલાસા થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button