અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં મોટો વળાંક: પાઇલટ સંગઠન ALPA ઇન્ડિયા પોતાનો પક્ષ રજૂ કરશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં મોટો વળાંક: પાઇલટ સંગઠન ALPA ઇન્ડિયા પોતાનો પક્ષ રજૂ કરશે

અમદાવાદ: અમદાવાદમાં ભારતના ઇતિહાસની સૌથી મોટી પ્લેન ક્રેશની ઘટના બની હતી. 12મી જૂન 2025ના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણો બાદ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામ 242 મુસાફર અને ક્રૂ મેમ્બરનું મોત થઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ વિમાન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં નીચે રહેલા 19 લોકોનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટના મામલે એએઆઈબી દ્વારા તપાસ પણ કરવામાં આવી છે. જો કે, હવે આમાં એક નવી વિગત જાણવા મળી છે.

તપાસમાં ટેકનિકલ અને વિશેષજ્ઞોની સલાહો લેવી જરૂરી

અહેવાલો પ્રમાણે આ તપાસમાં પાઇલટ સંગઠન એએલપીએ ઇન્ડિયા પણ પોતાનો પક્ષ રજૂ કરશે તેવું જાણવા મળ્યું છે. પાઇલટ સંગઠનનું કહેવું છે કે, આ તપાસમાં ટેકનિકલ અને વિશેષજ્ઞોની સલાહો લેવી પણ જરૂરી છે. આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેનું સાચુ કારણ જાણવા માટે તે જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના રોકી શકાય! એવું જાણવા મળ્યું છે કે, એરલાઈન્સ પાઇલટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ALPA ઈન્ડિયા)ની ત્રણ સભ્યોની ટીમ આજે ચાર વાગ્યા AAIB મુખ્યાલય દિલ્હીમાં બેઠક કરશે. પ્લેનક્રેશ થયું તે પછી પહેલી વખત એરલાઈન્સ પાઈલેટ્સ એસોસિયેશન અને AAIB (એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇનવેસ્ટિગેશન બ્યુરો)થી સીધી વાત કરશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ ‘તપાસ’માં ગરબડ? પાઇલટ્સ ફેડરેશને ન્યાયિક તપાસની કરી માંગ

ALPA ઈન્ડિયામાંથી બેઠકમાં કોણ હાજરી આપશે?

આ બેઠકમાં એરલાઈન્સ પાઇલટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા તરફથી કેપ્ટન અનિલ રાવ અને કેપ્ટન સેમ થોમસ પણ હાજરી આપશે. આ બેઠકનો ખાસ હેતુ અમદાવાદ પ્લેન ક્રેસ અને વિમાન સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચાઓ કરવામાં આવશે. આ તપાસમાં સબજેક્ટ મેટર એક્સપર્ટ્સની પણ રાય લેવામાં આવે તેવી ઘણાં સમયથી ALPA દ્વારા માંગણી કરવામાં આવી હતી. હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પાઇલટનો અભિપ્રાય લેવામાં આવશે તેના કારણે તપાસ બારીકાઈથી થશે. એટલું જ નહીં, પરંતુ તપાસ રિપોર્ટમાં ટેકનિકલ બાબતો અને સુરક્ષા ખામીઓની પણ વિસ્તારથી વિગત જાણવા મળશે.

વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી સરકારી સંસ્થા છે AAIB

વિશ્લેષકો કહી રહ્યાં છે કે, આ બેઠક એઆઈ 171 પ્લેન ક્રેશની તપાસમાં ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. આ સાથે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના બને નહીં તેના માટે પણ યોગ્ય નિર્ણય અને સુધાર કરી શકાશે. AAIB ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એક સરકારી સંસ્થા છે. કોઈ પણ દુર્ઘટના કેવી રીતે બની? તેના માટે ક્યા કારણો જવાબદાર હતા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને કેવી રીતે રોકી શકાય તે અંગે તપાસ કરે છે. આ સંસ્થા ટેકનિકલ ટીમ અને વિશેષજ્ઞા સાથે મળીને દુર્ઘટનાનો રિપોર્ટ તૈયાર કરે છે. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પણ આ સંસ્થા જ તપાસ કરી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button