અમદાવાદટોપ ન્યૂઝ

આવતીકાલે ‘અમદાવાદ’નો સ્થાપના દિવસઃ ભદ્રકાળી માતાજી સવારે નીકળશે નગરયાત્રાએ

અમદાવાદના નગરપતિ કરશે પહિંદ વિધિ, લાખો માઈભક્તો ઉમટશે, બજારો રહેશે બંધ

અમદાવાદઃ 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો(Ahmedabad)સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરશે.

મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે

અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીની સવારે 7:00 વાગ્યે આરતી અને પૂજા થશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

આપણ વાંચો: ભારતમાં સંપૂર્ણ મુખારવિંદવાળું ક્લાત્મક કાલિકા માતાજીનું મંદિર – પાટણ

રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદી ખાતે જશે

આ નગરયાત્રા ભદ્ર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે. ત્યારબાદ ખમાસાથી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે જશે, ત્યાં જગન્નાથ મંદિરે આરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદી ખાતે જશે.

સાબરમતી નદીની પણ આરતી ઉતારવામાં આવશે. ત્યાંથી મહાલક્ષ્મી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી અને વસંત ચોક ખાતે પહોંચશે. વસંત ચોકમાં માતાજીની આરતી ઉતારી અને લાલ દરવાજા વીજળી ઘરથી પરત ભદ્ર પરિસર ખાતે પહોંચશે. મંદિરે પરત ફર્યા બાદ માતાજીનો હવન થશે અને ત્યારબાદ ભંડારો યોજાશે, જેમાં પાંચ હજાર લોકો આ ભંડારાના પ્રસાદમાં ભાગ લેશે.

સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી નીકળશે

યાત્રાને પગલે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોક સોની બજાર સહિતનાં બજારો બપોર સુધી બંધ રહેશે.

પોલીસ કમિશનર દ્વારા માત્ર 20 જ વાહનને મંજૂરી આપવામાં આવી

નગરદેવીની યાત્રા માટે પોલીસ કમિશનર દ્વારા માત્ર 20 જ વાહનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રથ, નાના વાહનો અને ખુલ્લી જીપનો સમાવેશ થાય છે. નાના વાહનોમાં જ ભજન મંડળીઓ રાખવામાં આવશે.

ખુલ્લી જીપમાં બેસીને આ યાત્રા નીકળવાની છે. પોલીસ કમિશનર તરફથી માત્ર 20 વાહનોની પરમિશન આપવામાં આવી છે. અન્ય હાથી, ઘોડા, પાલખી કે અખાડા કોઈ પણ અન્યની પરમિશન આપવામાં આવી નથી. જોકે, આવતીકાલે જ્યારે નગરયાત્રા આવશે, ત્યારે બીજા લોકો પણ જોડાય તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button