કાંકરિયા કાર્નિવલ 2025: શવિવાર બાદ રવિવારે પણ માનવ મહેરામણ ઉમટ્યું, આજે પણ તમામ ગેટ બંધ કરાયા…

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ ફરતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. આ કાર્યક્રમ દરમિયાન જો એક લાખથી વધારે લોકો આવે છે તો ભીડને કાબૂમાં લેવા માટે કાંકરિયાના ગેટ બંધ કરી દેવામાં આવે. કાર્નિવલનો આજે ચોથો દિવસ છે. જેથી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરિયાના ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે. ગઈ કાલે પણ ભીડ વધારે આવી ગઈ હોવાના કારણે કાંકરિયા તળાળના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
શનિ-રવિને લઇ લોકોનો કાંકરિયામાં ધસારો વધ્યો
શનિ અને રવિ બે દિવસ શહેરમાં મોટા ભાગના ધંધા-નોકરીમાં રજા હોય છે. જેના કારણે લોકો કાંકરિયા કાર્નિવલમાં ગયાં હતાં. શનિ-રવિને લઇ લોકોનો કાંકરિયામાં વધારે ધસારો જોવા મળ્યો હતો. મોડી સાંજે 1 લાખથી પણ વધારે લોકો કાંકરિયા કાર્નિવલ જોવા માટે કાંકરિયા પહોંચી ગયાં હતાં. જેથી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરીયાના ગેટ બંધ થયા હતા. આના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન પણ થયાં હતા, પરંતુ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવો પણ જરૂરી છે.
કાંકરિયા કાર્નિવલમાં ભીડ વચ્ચે પોલીસ સુરક્ષા માટે સતર્ક
કાંકરિયા કાર્નિવલ 2025માં ભારે ભીડ વચ્ચે સુરક્ષાને પોલીસ સતર્ક બનીને કામ કરી રહી છે. કાંર્નિવલના પહેલા ત્રણ દિવસમાં જ 52 જેટલા બાળકો તેમના પરિવારથી વિખૂટા પડ્યાં હતા. જો કે, આ દરમિયાન પોલીસે સતર્કતા રાખી અને ગણતરીની મિનિટોમાં જ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અમદાવાદ પોલીસ 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરી રહી છે. અહીં આવતા લોકો પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે તેવી અમદાવાદ મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે. પોલીસને ભીડમાં ખોલાયેલા 1 કિંમતી આઇફોન અને 2 પર્સ મળી આવ્યા હતા. આ વસ્તુના મૂળ માલિકોને શોધીને તેમને વસ્તુ સુપરત કરાઈ હતી. મુલાકાતીઓની મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યકર છે.
અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત કાંકરિયા કાર્નિવલનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 આગામી તારીખ 25 મીથી 31મી ડિસેમ્બર સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્નિવલમાં આજે રવિવારે જાણીતા કલાકાર અક્ષય તમયચે અને મિતાલી નાગનું રોક બેન્ડ પર્ફોર્મન્સ યોજાયું હતું. આ કાર્યક્રમ કાંકરિયા લેક ફ્રન્ટના ગેટ નંબર 3, વ્યાયામ વિદ્યાલય ખાતે યોજાવામાં આવ્યો છે. આ સાથે ગેટ નંબર એક પુષ્પકુંજ ખાતે ગીતા બેન રબારીનો ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.



