ગાંધીનગર બાદ અમરેલીના ગામડાઓમાં દૂષિત પાણીની સમસ્યા, લોકોમાં રોષ

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે 100 કરતા વધારે બાળકને ટાઈફોઈડની અસર થયાના અને એક બાળના મૃત્યુના અહેવાલોએ તંત્રને કામે લગાડી દીધું છે. દૂષિત પાણીની સમસ્યા માત્ર ગાંધીનગર નહીં ઘણા શહેરો અને ગામોમાં છે ત્યારે અમરેલી જિલ્લાના અમુક ગામોમાં પણ દૂષિત પાણીથી પ્રજાની હેરાનગતિ થતી હોવાનું બહાર આવ્યું હતું.
ઘટનાની મળતી માહિતી અનુસાર અમરેલી સાવરકુંડલા પાસેથી પસાર થતી શેત્રુંજી પાણીની પાઈપલાઈનમાં ચાર-પાંચ દિવસથી ખામી સર્જાઈ હતી અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઈપલાઈનમાં ભંગાણ પણ રેતીના ખનન કરતા ડમ્પરોને લીધે થતો હોવાનું બહાર આવ્યું હતું.
આપણ વાચો: દૂષિત પાણીનો ખતરો: ઇન્દોર અને ગાંધીનગરની ઘટનાઓથી ચેતવા જેવું, જાણો બચવાના ઉપાયો…
લાઈન તૂટી ગઈ હોવાથી ઠેબી નદીનું ન પી શકાય તેવું પાણી આ પાઈપલાઈનમાં ઘુસી ગયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેના લીધે આસપાસના પાંચેક ગામમાં લોકો ગંદુ પાણી પી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર જોઈએ તેટલી તકેદારી વર્તી રહ્યું નથી આથી રોગચાળો ફેરવાનો ભય લોકોએ વ્યક્ત કર્યો હતો.
તંત્ર સાથે આ મામલે વાતચીત થઈ શકી ન હતી.



