અમદાવાદમાં પોલીસ સાથે વિવાદ કરનાર મહિલા વિરૂદ્ધ એક્શન, ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા અંજલી ચાર રસ્તા પાસે તાજેતરમાં એક પોલીસ કર્મીની એક મહિલા સાથે તકરાર થઈ હતી. જેમાં મહિલા દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મીએ મહિલાને લાફો પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પાલડી પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
મહિલા વિરૂદ્ધ BNSની છ કલમ લગાવાઈ
અંજલિ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર એક મહિલાને ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ યુવતીનું નામ બંસરી ઠક્કર હોવાનું માલૂમ પડ્યું હતું. તે વ્યવસાયે એડવોકેટ છે. ટ્રાફિક પોલીસ દ્વારા પૂછપરછ કરવા પર બંસરી ઠક્કરે પોલીસ સાથે ગેરવર્તણૂક કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને બંસરી ઠક્કર સામે FIR નોંધવામાં આવી છે. ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એડવોકેટ બંસરી ઠક્કર વિરૂદ્ધ કુલ ભારતીય ન્યાય સંહિતાની 6 કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં રાજ્યસેવકના કામમાં અડચણ ઊભી કરવી (કલમ 186), જાહેર સ્થળે અશ્લીલ ગાળો બોલવી (કલમ 296(b)), રાજ્યસેવક સાથે તકરાર કરવી (કલમ 281), રાજ્યસેવકને ધમકી આપવી (કલમ 351(1)) જેવી કલમોનો સમાવેશ થાય છે. આ સિવાય બંસરી ઠક્કર પર જોખમી રીતે વાહન ચલાવવા બદલ કલમ 184 અને 177 પણ લગાવવામાં આવી છે.
પોલીસે કર્યો ભૂલનો સ્વીકાર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઘટના બાદ ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે જણાવ્યું હતું કે, મહિલાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો, જેથી પોલીસ તેમને રોકીને હેલ્મેટ પહેરેલું નહોતું તે મામલે પુછપરછ કરી હતી. આ દરમિયાન મહિલાએ પોલીસને ગમે તેમ બોલીને આઈડી માંગ્યું હતું. જેથી પોલીસે આઈડી પણ બતાવ્યું હતું. પણ આઈ કાર્ડ નીચે ફેકી દીધેલ અને પોલીસ જોડે ગંદી ગાળો બોલતા હતા. જે બાબતે ગુસ્સે થઈને પોલીસ કર્મચારી હાથ ઉગામ્યો હતો. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કર્મચારી (જ્યંતિભાઈ)ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આમ, આ ઘટનામાં ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે પોલીસે કરેલી ભૂલનો પણ સ્વીકાર કર્યો છે.
આપણ વાંચો: વડોદરામાં વૃદ્ધ સાથે 1.11 કરોડનો સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી



