વિદ્યાર્થીની હત્યા બાદ કાર્યવાહી: સેવન્થ ડે સ્કૂલ પાસે સરકારે તમામ દસ્તાવેજો માગ્યા | મુંબઈ સમાચાર
અમદાવાદ

વિદ્યાર્થીની હત્યા બાદ કાર્યવાહી: સેવન્થ ડે સ્કૂલ પાસે સરકારે તમામ દસ્તાવેજો માગ્યા

અમદાવાદ: સેન્વથ ડે સ્કૂલ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા ધોરણ 8ના વિદ્યાર્થીએ કરવાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનાને અઠવાડિયાની ઉપર સમય થઈ ચૂક્યો હોવા છતા સરકારે હજુ સુધી નક્કર કાર્યવાહી ન કરતા હવે સ્કૂલની માન્યતા અને દસ્તાવેજોની ચકાસણીનો આદેશ આપવામા આવ્યો છે. સ્કૂલની બેદરકારી સામે વાલીઓ, સ્થાનિકો અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે, અને સરકારે સ્કૂલ પાસેથી તમામ માહિતી અને પુરાવા એક દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

28 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટને નોટિસ જારી કરી, જેમા બીયુ પરમિશન, ICSE એફિલિએશન, ફાયર NOC, શિક્ષકોની લાયકાત, વિદ્યાર્થી સંખ્યા અને સ્કચરના નકશા સહિતની તમામ વિગતો 29 ઓગસ્ટ સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો. આ પહેલા DEOએ સ્કૂલને બે વખત શો-કોઝ નોટિસ આપી હતી, પરંતુ સ્કૂલના ખુલાસાને માન્ય રાખવામા આવ્યો ન હતો. DEOએ આચાર્ય અને બેજવાબદાર સ્ટાફને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સેવન્થ ડે સ્કૂલની બેદરકારીને ઉજાગર કરી, જેના કારણે ABVP, NSUI અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો થયા. સ્થાનિક વેપારી મહામંડળે એક દિવસનો બંધ પાળીને આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો. વાલીઓમાં પણ ભયનો માહોલ છે, અને ઘણા વાલીઓએ પોતાના બાળકોનો પ્રવેશ રદ કરવાનું શરૂ કર્યું છે. આ ઘટનાએ શાળાઓની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ ઘટનાના પગલે 110 વાલીઓએ પોતાના બાળકોનો પ્રવેશ રદ કરવા માટે DEOને અરજીઓ કરી છે, જેમાંથી 32 વિદ્યાર્થીઓનું ટ્રાન્સફર અન્ય શાળાઓમાં થઈ ગયું છે. આ બાળકોના લીવિંગ સર્ટિફિકેટ (LC) અને ટ્રાન્સફર સર્ટિફિકેટની પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે 10થી 12 શાળાઓમાં આ વિદ્યાર્થીઓનું ટ્રાન્સફર થવાની શક્યતા છે. વાલીઓનો આ નિર્ણય સ્કૂલની સુરક્ષા અને વહીવટ પ્રત્યેના અવિશ્વાસને દર્શાવે છે.

સરકારે સ્કૂલ પાસેથી ધોરણ 1થી 12ની મંજૂરી, ICSE બોર્ડનું એફિલિએશન, ફાયર NOC, મકાનના નકશા, ટ્રસ્ટ ડીડ, શિક્ષકોની લાયકાત, પગારની વિગતો, અને કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતા જેવી માહિતી માંગી છે. આ દસ્તાવેજોની ચકાસણી પછી સ્કૂલની માન્યતા રદ કરવા અથવા અન્ય કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. આ પગલું સ્કૂલની જવાબદારી અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

આપણ વાંચો:  IPSની બદલી કર્યાના 10 દિવસમાં 118 PSIની તાત્કાલિક અસરથી બદલી, DGP કચેરીએ આપ્યો આદેશ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button