અમદાવાદના નરોડામાં ગણેશ પંડાલ પાસે સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટતા 10 લોકો ખાબક્યા

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન 27 ઓગસ્ટની રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10થી વધુ લોકો ખાડામાં ખાબક્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય હતા. આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા અને અફરાતફરી ફેલાવી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું.
બાપા સીતારામ ચોક નજીક પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી માટે ગણેશજીની મૂર્તિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે, મોટી સંખ્યામાં લોકો દર્શન માટે એકઠા થયા હતા, ત્યારે અચાનક કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ તૂટી પડ્યો. આ ઘટનામાં 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા, જેમાં એક મહિલાએ પોતાના બાળકને બચાવવા બૂમો પાડી, જેના કારણે સ્થાનિકો તાત્કાલિક રેસ્ક્યૂ માટે દોડી આવ્યા.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તુરંત કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. નિકોલ ફાયર સ્ટેશનની ટીમને સૂચના મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને એક વ્યક્તિને, જે કાટમાળ નીચે દટાયેલી હતી, સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ઘટનામાં મોટા ભાગના લોકોને ઈજા પહોંચી હતી. જેને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાં બે-ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું. સ્થાનિકોની મદદ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી ઘણા લોકોનો જીવ બચી ગયો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ જતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ભીડને નિયંત્રણમા લીધી. આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા અને સલામતીના ધોરણો પર સવાલો ઉભા કર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં સ્લેબ ધરાશાયી થવાનું કારણ અને જવાબદારી નક્કી કરવામાં આવશે.