અમદાવાદ

…તો ફ્યુલ સ્વિચ બંધ કોણે કરી? અમદાવાદ એરક્રેશનો પ્રાથમિક અહેવાલ કોઈ ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરે છે

અમદાવાદઃ અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં પ્રાથમિક તપાસનો રિપોર્ટ કાલે મોડી રાત્રે રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ રિલીઝ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે. ટેકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે વિમાન ક્રેશ થયું હશે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયાઃ રિપોર્ટ

AAIB ના 15 પાનાના અહેવાલ મુજબ વિમાને સવારે 08:08 વાગ્યે 180 નોટની મહત્તમ સૂચક એરસ્પીડ (IAS) પ્રાપ્ત કરી હતી. આ પછી તરત જ એન્જિન-1 અને એન્જિન-2ના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો ફક્ત 1 સેકન્ડમાં ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં ખસી ગયા હતા. જેના કારણે એન્જિનમાં બળતણ આવવાનું બંધ થઈ ગયું અને બંને એન્જિનની N1 અને N2 રોટેશન સ્પીડ ઝડપથી ઘટવા લાગી હતી.

પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ થઈ

કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એન્જિન બંધ થવા અંગે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. પાઇલટ સુમિત સભરવાલે તેમના કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું, ‘તમે એન્જિનનું ઇંધણ કેમ બંધ કર્યું?’ આના જવાબમાં કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કહ્યું, ‘મેં કંઈ નથી કર્યું’ આ વાતચીત આ અકસ્માતના રહસ્યમય સ્વભાવને વધુ ગહન બનાવે છે. બંને પાઇલટે એન્જિન બંધ કરવાનો ઇનકાર કરે છે તો પછી એન્જિન બંધ કેવી રીતે થયા? આ સંભવિત તકનીકી ખામી હોઈ શકે છે પરંતુ એ ચોક્કસ તો ના જ કહી શકાય! અત્યાર સુધી તપાસમાં એવું કંઈ મળ્યું નથી કે બોઇંગ 787-8 એરક્રાફ્ટ અથવા તેની એન્જિન ઉત્પાદક કંપની માટે કોઈ ચેતવણી જારી કરવી પડે!

એન્જિન શરૂ કરવાનો પ્રયાસ થયોરંતુ નિષ્ફળતા

તપાસ એજન્સી દ્વારા રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, બંને એન્જિનમાં રિલાઇટની પ્રક્રિયા શરૂ થઈ. એન્જિન-1 અમુક હદ સુધી રિકવર થવા લાગ્યું હતું, પરંતુ એન્જિન-2 સંપૂર્ણપણે સ્પીડ રિકવર કરી શક્યું નહીં. APU પણ ઓટોસ્ટાર્ટ મોડમાં સક્રિય થયું, પરંતુ તે પણ પ્લેનને સ્થિર કરી શક્યું નહીં. જેના કારણે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે, પ્લેનનો રેમ એર ટર્બાઇન એટલે કે ટેકઓફ પછી તરત જ ઇમરજન્સી ફેન બહાર નીકળી ગયો હતો.

વિમાનમાં પાવર સપ્લાય કેવી રીતે કાર્ય કરે છે?

સામાન્ય રીતે, RAT ત્યારે જ બહાર આવે છે જ્યારે વિમાનના પાવર સપ્લાયમાં સમસ્યા હોય છે. આનો અર્થ એ છે કે એન્જિન બંધ થવાને કારણે વિમાનનો મુખ્ય પાવર સપ્લાય પણ પ્રભાવિત થયો હતો. રેમ એર ટર્બાઇન એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ છે જે બંને એન્જિન બંધ થવા પર અથવા પાવર સપ્લાય બંધ થવા પર અથવા હાઇડ્રોલિક નિષ્ફળતા થવા પર આપમેળે કાર્યરત થાય છે. તે વિમાનને ઊંચાઈ જાળવવામાં મદદ કરે છે. RAT કટોકટી શક્તિ ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે. પ્લેન ક્રેશ થયા બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં કુલ 260 લોકોનો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા.

આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલમાં પ્રકાશમાં આવી બે પાયલોટ વચ્ચેની આ છેલ્લી વાતચીત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button