આ રીતે ભણશે ગુજરાત? રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની 99% જગ્યાઓ ખાલી
અમદાવાદ: તાજેતરમાં જ સરકાર દ્વારા રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયોના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા અને ખુદ સરકારના જ આંકડાઓએ રાજ્યના શિક્ષણના સ્તર અને સ્થિતિને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો કે માત્ર ડ્રોપ આઉટ રેશિયો જ નહિ પરંતુ રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યાઓની સ્થિતિ પણ ગંભીર પ્રશ્નો પેદા કરનારી છે. ગુજરાતી- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ 99% ખાલી પડી છે.
તાજેતરમાં વર્ષ 2024-25ના આંકડાઓ દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં કુલ 896 આચાર્યની જગ્યાઓમાંથી ગુજરાતી માધ્યમની શાળાઓમાં 889 જગ્યાઓ ખાલી પડી છે. જે કુલ જગ્યાના 99.21% છે. જ્યારે અન્ય સાત જગ્યાઓ બીજી ભાષાના માધ્યમોની છે. જેમાં અંગ્રેજી માધ્યમની શાળાની પાંચ જ્યારે હિન્દી માધ્યમની બે જગ્યાઓ છે.
આપણ વાંચો: શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત ત્રીજા સ્થાને!
સત્તાવાર જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગુજરાતી માધ્યમની શાળાઓમાં જુનાગઢ જિલ્લો સૌથી આગળ છે કે ત્યાં 54 જગ્યાઓ ખાલી પડી છે. 51 જગ્યાઓ સાથે દાહોદ બીજા ક્રમે, જ્યારે સાબરકાંઠામાં 47 જગ્યાઓ, રાજકોટમાં 46, ખેડામાં 45 અને મહીસાગરમાં 43 જગ્યાઓ ખાલી છે. અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાઓની સંખ્યા 41ની છે જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં 23 જગ્યાઓ ખાલી પડી છે.
શિક્ષણની વરવી વાસ્તવિકતાના આંકડાઓ અંગે શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે શાળા સંચાલકો દ્વારા છેલ્લા એક દાયકા દરમિયાન સતત આ મુદ્દો રાજ્ય સરકારના ધ્યાન પર લાવવવામાં આવ્યો હતો, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિમણૂકો અથવા બઢતી લાગુ કરવામાં આવી નથી. આંતરિક સુત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા ભરતી અંગેની અનેકવિધ જાહેરાતો છતાં હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.