અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો શુભારંભઃ કરોડો શ્રદ્ધાળુઓ કરશે દર્શન
![51st Shaktipeeth Parikrama Festival Begins at Ambaji](/wp-content/uploads/2025/02/51stShaktipeethParikramaFestivalBeginsatAmbaj-ezgif.com-resize.webp)
અમદાવાદઃ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તેમની સુવિધા માટે 500થી વધુ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અઢી કિલોમીટરમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ
આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, નવથી અગિયાર ફેબ્રુઆરી 2025 દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ 2.5 કિ.મી ત્રિજ્યામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે. શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તેના માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આપણ વાંચો: Good News: Ahmedabad થી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે, આટલા ટકા કામ પૂર્ણ…
જિલ્લા કક્ષાએ 20 જેટલી સમિતિનું કર્યું ગઠન
જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ 20 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે 450થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. સમગ્ર પરિક્રમા સી. સી. ટી. વી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે.
1,700 સંઘ સાથે ગામડે ગામડે પાઠવ્યું આમંત્રણ
અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાના 1700થી વધુ સંઘો, સાધુ સંતો અને ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.