ક્યાં છે હાઉસિંગ સોસાયટીના નિયમો? રહેણાંક વિસ્તારોમાં ચાલે 3500થી વધુ ધંધાકીય પ્રવૃત્તિ છતાં તંત્ર મૌન…

અમદાવાદઃ અમદાવાદના જીવરાજ પાર્ક પાસે એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં આગની ઘટના બની હતી. જેમાં બે લોકોનું મોત થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ એસીનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હતું. તો પ્રશ્ન થયા છે કે, રહેણાંક વિસ્તારમાં ધંધાકીય પ્રવૃતિ કરવાની પરવાનગી કોણ આપી? જો પહેલાથી ધ્યાન રાખવામાં આવ્યું હતો તો બ્લાસ્ટની ઘટના ન બની હોત! આવા તો અનેક રહેણાંક વિસ્તારોમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો નોંધાઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, 3500 થી પણ વધારે ફરિયાદ નોંધાઈ છે.
ધંધાદારીઓએ હાઉસિંગ સોસાયટીના નિયમો તો નેવે મુક્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3500થી વધુ સોસાયટીઓએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ ધંધાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. હાઉસિંગ સોસાયટીના નિયમ પ્રમાણે કોઈપણ રહેણાંક માટે બનાવવામાં આવેલી સોસાયટીને અન્ય પ્રવૃત્તિમાં ભાડે આપી શકાય નહીં તો પછી આ 3500 ફરિયાદો પ્રમાણે જોવા જઈએ તો હાઉસિંગ સોસાયટીના નિયમો તો નેવે મુકાય છે. આખરે કેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? રહેણાંક વિસ્તારોમાં ધંધાકીય પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાય છે, જેથી સ્થાનિક વિસ્તારોમાં આવી કોઈ ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને બંધ કરાવી તેની સામે કાર્યવાહી થવી જરૂરી છે.
આ પણ વાંચો: અમદાવાદના ગેરકાયદે એસી ગોડાઉનમા લાગેલી આગ જીવલેણ બની, બે લોકોના મોત…
અમારી સોસાયટી આખી ધંધાકીય પ્રવૃત્તિઓમાં ચાલે છેઃ સ્થાનિકો
પાલડી વિસ્તારની એક સોસાયટીના લોકોએ તો કહ્યું કે, અમારી સોસાયટી આખી ધંધાકીય પ્રવૃત્તિઓમાં ચાલે છે. અનેકવાર સોસાયટીમાં ટ્રાસ્પોર્ટ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ વિશે કોર્પોરેશનને જાણ કરી છે છતાં પણ ધંધાકીય પ્રવૃત્તિઓ માટે હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યાં! આખરે તંત્ર કાર્યવાહી કરવા માટે કોની રાહ જોઈ રહ્યું છે? જીવરાજ પાર્ક પાસે બનેલી ઘટના પૂરતી નથી? કે હજી પણ તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જુવે છે? આવા અનેક પ્રશ્નો અત્યારે લોકો કરી રહ્યાં છે. અત્યારે તો 3500 થી પણ વધારે ફરિયાદો આવી છે, હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.