સ્નેહાંજલિ સોસાયટી પર ચાલ્યું મનપાનું બુલડોઝર: 40 વર્ષથી રહેતા પરિવારો બન્યા ઘરવિહોણા

અમદાવાદઃ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો. બાદમાં આ મામલો સુપ્રિમ કોર્ટે પહોંચતા કોર્ટે આલિશાન બંગલાઓને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જેને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) આ બંગલા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા મનપા તંત્ર દ્વારા 25 આલિશાન બંગલાઓ તોડી પાડવામાં આવતા છેલ્લા 40 વર્ષથી આ સોસાયટીમાં આલિશાન બંગલામાં રહેતા લોકો બેઘર બન્યા છે.
23 ડિસેમ્બરને બુધવારે મનપાના વિવિધ અધિકારીઓની ટીમો બુલડોઝર અને જરૂરી સામાન સાથે સ્નેહાંજલિ સોસાયટીમાં સ્થિત આ બંગલાને તોડવા કાર્યવાહી કરવા પહોંચ્યા હતા, ત્યારે સોસાયટીના રહીશોનો આક્રોશ અને આંસુ રોકાતા નહોતા. રહીશોનો એક જ સવાલ હતો કે જો આ મકાનો ગેરકાયદેસર હતા, તો સરકારે અમને પ્રોપર્ટી કાર્ડ કેમ આપ્યા? વર્ષો સુધી વેરો કેમ વસૂલ્યો? આજે જ્યારે બિલ્ડરની ભૂલ સામે આવી, ત્યારે અમને કેમ સજા આપવામાં આવી રહી છે?”
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્રની આ કાર્યવાહીથી કરોડો રૂપિયાના બંગલામાં રહેતા આ લોકો હાલ ઘરવિહોણા થયા છે. માહિતી મુજબ આ લોકો માટે તંત્રએ સરકારી આવાસમાં રહેવાની વ્યવસ્થા તો કરી આપી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અમારે સરકારી આવાસોમાં નથી રહેવું, અમને અમારું ઘર જોઈએ છે. અમે મકાનની સામે મકાન જ લઈશું, હાલ અમારી પરિસ્થિતિ લાખો રૂપિયા ખર્ચીને કોર્ટ કેસ લડવાની નથી, જેથી સરકાર પાસે અમારી માંગ છે કે, અમને સરકારી વકીલ ફાળવવામાં આવે અને તે અમારો આ કેસ લડી અમને જીતાડે. આમ તંત્રની કાર્યવાહીથી સ્નેહાંજલિ સોસાયટીમાં આજે માત્ર પથ્થરો નથી તૂટ્યા, પણ 25 પરિવારોનો વિશ્વાસ તૂટ્યો છે.
આપણ વાંચો: સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ મામલે 4 સામે FIR: જિલ્લા કલેક્ટરની થઈ બદલી



