પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીને કૉલેજે બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અમદાવાદઃ પાટણના ધારપુરમાં આવેલી જીએમઈઆરએસ મેડિકલ કૉલેજની રેગિંગ વિરોધી કમિટીએ 15 એમબીબીએસ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અને દરેક પર રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો.
અનીલ મેથાણિયા નામના પહેલા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીએ વર્ષ 2024માં 16મી નવેમ્બરના રોજ કથિત રેગિંગથી કંટાળી આત્મહત્યા કરી હતી. અગાઉ આ વિદ્યાર્થીઓએ કોલેજના સસ્પેન્શન વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી. તેમની એવી દલીલ હતી કે કોઈપણ પ્રકારના ઔપચારિક આદેશ વિના જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હવે જ્યારે કૉલેજની રેગિંગ વિરુદ્ધ કમિટીએ આ અંગેનો આદેશ આપ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના વકીલે કોર્ટને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને તેમની પિટિશન પાછી ખેંચવાની પરવાનગી આપવામાં આવે. તેમની અપીલ બાદ કોર્ટે તેમને પરવાનગી આપી હતી.
કૉલેજના બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો એક પરિચય સમારોહ યોજાયો હતો, જે વાસ્તવમાં મેડિકલ કૉલેજોમાં થતી રેગિંગ હોય છે.
આ દરમિયાન આક્ષેપો થયા હતા કે અનીલને ત્રણેક કલાક સતત ઊભો રાખવામાં આવ્યો હતો, અનીલ બેભાન થઈ પડી ગયો હતો અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ પામ્યો હતો. કૉલેજની રેગિંગ વિરોધી કમિટીએ ત્વરિત પગલાં લીધા હતા અને 15 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા હતા.



