વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી

અમદાવાદ: તાજેતરમાં જ અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે ગુજરાતી પ્રજામાં વિદેશ જવાની કેટલી ઘેલછા છે અને તે માટે લોકો કેવી કેવી રીતો અપનાવે છે તે પણ સામે આવ્યું હતુ. જો કે અમુક લોકો આ ઘેલછાનો લાભ ઉઠાવતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે કે જેમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડનાં વિઝાની લાલચ આપીને 1.23 કરોડની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વર્ક પરમિટની લાલચ
યુવાઓમાં વિદેશ જઈ જોબ મેળવીને સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો છે અને યુવા પેઢીની આ ઘેલછાનો લાભ અમુક ઠગ ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં બનેલી ઘટનામાં ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડનાં વર્ક પરમિટ કરી આપવાનું કહીને અલગ- અલગ 10 ફાઈલો બનાવી કરાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ ભોગ બનનાર પૈસા આપતા રહ્યા હતા.
આપણ વાંચો: અમદાવાદમાં રાજકીય પક્ષોને દાનના નામે 86 લોકો સાથે છેતરપીંડી, મોહમ્મદ આમીરની ધરપકડ
સેટેલાઈટ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓ દ્વારા વર્ક પરમિટ વિઝાની લોભામણી લાલચ આપી ટુકડે ટુકડે બેંકથી તથા આંગડીયા પેઢી દ્વા રા રૂ.1.44 કરોડ લઈને સમય મર્યાદામા વિઝા નહોતા કરી આપ્યા. આથી તેણે 20.45 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત આપી દીધા હતા પરંતુ બાકીનાં 1.23 કરોડ પરત ન આપતા ભોગ બનનારે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ
પોલીસ ફરિયાદમાં વર્ક પરમિટ વિઝા કરી આપવાની લોભામણી લાલચ આપી 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના કેસમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં નોઇડાનાં વરુણ કુમાર, મહેક કુમારી અને પૂજા સિંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.