Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસને એક તરફ રાહત બીજી તરફ ફટકો, જેની બેનનું ફોર્મ માન્ય તો કુંભાણીનું ફોર્મ રદ્દ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજવાનું છે, એ પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ઉમેદવારી પત્રકો ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારી પત્રકો અંગે કોંગ્રેસ(Congress) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અમરેલી બેઠક(Amreli) થી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, વિવાદ બાદ જેનીબેન ઠુમ્મર(Jeniben Thummar)નું ઉમેદવારી પત્રક મંજૂર થઇ ગયું છે. તો સુરતમાંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, ઉમેદવાર નીલેશ કુંભાણી(Nilesh Kumbhani)નું ઉમેદવારી પત્રક રદ્દ કરવામાં આવ્યું છે.
ગઈ કાલે અમરેલી બેઠકથી કોંગ્રેસના ઉમેદવ્ર જેનીબેન ઠુમ્મરના સોગંદનામા સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જેનીબેન ઠુમ્મરે એફિડેવિટમાં મિલકત છુપાવી હતી. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈકાલે અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી, કલાકોની દલીલો બાદ પણ સોગંદનામા અગે સ્પષ્ટતા થઇ શકી ન હતી, જોકે આજે ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુમ્મરની ઉમેવારી પર મહોર મારી છે.
તો બીજી તરફ સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ કરવામાં આવ્યું છે. ગઈ કાલે નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ ઉમેદવારી પત્રક સામે સવાલો ઉઠાવ્યા હતા. કુંભાણી ટેકેદારોએ આરોપ લગાવ્યો હતો કે ફોર્મમાં તેમની સહી અસલી નથી.
આ પણ વાંચો: સુરત બેઠક પર કોકડું ગુંચવાયું, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે કરી ફરિયાદ
સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ આરોપોને આધારે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ કરવામાં આવી હતી. કુંભાણીએ એક દિવસના સમયની માગણી કરી હતી, આજે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ હાલ તેમના ટેકેદારોનો કોઈ સમાચાર નથી. કુંભાણીએ આરોપ પણ લગાવ્યો છે કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
જોધાણીએ લેખિત ફરિયાદમાં કહ્યું હતું કે કુંભાણીના ટેકેદારો સુરત મત વિસ્તારના નથી તેમજ તેમની સહી પણ ખોટી કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાને આરોપ લાગવ્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળ મોટું કાવતરૂં રચવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડિયા અને હાર્દિક પટેલે આ કાવતરૂં રચ્યું છે. હાર્દિક પટેલ નિલેશ કુંભાણીની ખુબ જ નજીક ગણવામાં આવે છે. આ બધું જ પ્રિ-પ્લાન કરવામાં આવ્યું હતું.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા વિરુદ્ધ કોંગ્રેસ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.