આપણું ગુજરાત

અમદાવાદમાં દારૂ પરમીટ કૌભાંડ! નશાબંધી વિભાગમાં એજન્ટોનો દબદબો

અમદાવાદ: દારૂબંધી ધરવતા ગુજરાતમાં દારૂ પીવા માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આપવામાં આવતી પરમીટમાં છેતરપીંડી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં બનાવટી પરમીટ મળી આવી હતી.  અધિકારીઓએ બનાવટી સહીઓ ધરાવતી 50થી વધુ દારૂ પરમિટ શોધી કાઢી હતી. અમદાવાદ જિલ્લા કચેરીમાં નિયમિત તપાસ દરમિયાન છેતરપિંડી અંગે જાણ થઇ હતી, હવે આજ રીતે ખોટા પુરાવા દ્વારા મેળવવામાં આવેલી પરમિટો શોધી કાઢવા માટે રાજ્યવ્યાપી તાપસ શરુ કરવામાં આવી છે.

એક અખબારી અહેવાલ મુજબ એક કેસમાં મૃત વ્યક્તિની પરમિટનો ઉપયોગ કરી દારુ ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હતો. પ્રસાશનને શંકા છે કે વિભાગના ભૂતપૂર્વ કર્મચારીની એજન્ટો સાથે સાંઠગાંઠ છે. એજન્ટો દારૂની પરમિટ મેળવવા ઈચ્છતા પૈસાદાર લોકો પસેથી મોટી રકમ લઇ પરમીટ કાઢવી આપે છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ નશાબંધી વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દારૂની નવી પરમિટ મેળવવા ઈચ્છાતા અને પરમિટ રીન્યુ કરવા ઈચ્છતા  અરજદારોની ખરાઈ કરવા રૂબરૂમાં બોલાવવામાં આવી રહ્યા છે.

જિલ્લા કચેરીમાં નવા ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટની નિમણૂક બાદ આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. શંકાસ્પદ અરજીઓ અને સાથે જોડાયેલા ઓળખ દસ્તાવેજો પરની સહીઓ વચ્ચે વિસંગતતા જોવા મળી હતી. ઉચ્ચ અધિકારીઓને તપાસ પર નજર રાખી રહ્યા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે અધિકારીઓ 23 લાઇસન્સવાળી દારૂની દુકાનો પર પણ નજર રાખી રહ્યા છે.  કેટલાક પરમિટ ધારકો તેમના ક્વોટાનો દારુ અન્યને વેચી રહ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદવાદ જીલ્લા કચેરીના પકડાયેલું કોભાંડ માત્ર શરૂઆત જ છે, 26 જિલ્લા કચેરીઓમાં તપાસ બાદ મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

એક અહેવાલ મુજબ અમદાવાદમાં 15,000 વ્યક્તિઓ દારૂની પરમિટ ધરાવે છે, આરોગ્યના કારણો સહિત વિવિધ કારણોસર આ પરમીટ આપવામાં આવે છે. નવી પરમિટની માન્યતા એક વર્ષની હોય છે, જ્યારે દસ્તાવેજની ચકાસણી કરાવીને બેથી પાંચ વર્ષ સુધી પરમીટ રિન્યુ કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button