ગુજરાતમાં 90 ટકા સિઝનનો વરસાદ પૂરો: ક્યાં કેટલો ખાબક્યો, જાણો સંપૂર્ણ વિગત…

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ જોર પકડી રહી છે, જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31.50 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે, જે સીઝનના અંદાજિત 90 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં પણ વ્યાપક વરસાદ જોવા મળ્યો છે.
જેનાથી કેટલાક વિસ્તારોમાં પુર અને જળસંચયની સ્થિતિ બની છે. આ વર્ષનું મેઘરાજા ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદથી સાવચેતીની જરૂર પડી છે.
ગરમીમાંથી લોકોને મળ્યું છુટકારો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં મહિસાગર જિલ્લાના કડાણા અને દાહોદ જિલ્લાના સીંગવડમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના મોરવા હડફ અને દાહોદના ફતેપુરામાં અઢી ઈંચ જેટલો મેઘમહેર થયો છે.
આ ઉપરાંત, 16 તાલુકાઓમાં 1થી 2 ઇંચ વચ્ચે વરસાદ થયો છે, જ્યારે 73 તાલુકાઓમાં સવા ઇંચથી એક ઇંચ વચ્ચે વરસાદી હાજરી જોવા મળી છે. અન્ય વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણ ઠંડું થયું છે, જ્યારે લોકોને ગરમીમાંથી છુટકારો પણ મળ્યો છે.
48 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ
આ ચોમાસાની સીઝનમાં જૂન મહિનામાં સરેરાશ 12 ઇંચ, જુલાઈમાં 10 ઇંચ અને ઓગસ્ટમાં 9.50 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યમાં 48 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
વધુમાં, 10 જિલ્લામાં સિઝનના 100 ટકાથી વધુ વરસાદ થયો છે. તાલુકા પ્રમાણે જોતાં, 140 તાલુકાઓમાં 20થી 40 ઇંચ, 61માં 10થી 20 ઇંચ અને માત્ર બે તાલુકાઓમાં 5થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે, જે ખેતી અને જળસંગ્રહ માટે સારા સમાચાર છે.
દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 55 ઇંચ વરસાદ
રિજન વાઈઝ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 55 ઇંચ વરસાદ સાથે 94 ટકા સીઝન પૂર્ણ થઈ છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે પાટણમાં સૌથી ઓછા 16 ઇંચ વરસાદ છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો રાજ્યમાં વલસાડના કપરાડામાં 110 ઈંચ, સુરતના ઉમરગામમાં 96.25 ઇંચ અને નવસારીના ખેરગામમાં 90 ઈંચ વરસાદ થયો છે.
આ પણ વાંચો…આ વખતે ગુજરાતીઓની ‘નવરાત્રી’ કેવી રહેશે, જાણી લો હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી!
100 ટકાથી વધુ વરસાદવાળા જિલ્લામાં સાબરકાંઠા
ગયા વર્ષે ઓગસ્ટ અંત સુધીમાં 38.65 ઇંચ વરસાદ સાથે 111 ટકા સિઝન પૂર્ણ થઈ હતી, જ્યારે આ વર્ષે વરસાદની ગતિ થોડી ધીમી રહી છે અને ઓગસ્ટમાં માત્ર 9.50 ઇંચ વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષના 17.40 ઇંચ કરતાં ઓછો છે.
100 ટકાથી વધુ વરસાદવાળા જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા, પૂર્વ મધ્યના મહીસાગર, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રના પોરબંદર, બોટાદ, ભાવનગર અને દક્ષિણના તાપી, સુરતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મેઘરાજાની ‘તોફાની બેટિંગ’ માટે તૈયાર રહો: આ અઠવાડિયે આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી