
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આજે મોસમ વિભાગ દ્વારા વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, નર્મદા, જૂનાગઢ, અમરેલી, તાપી અને દમણ-દીવમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની પણ શકયતાઓ છે.
માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચના
સ્થાનિક હવામાન વિભાગ અથવા પ્રશાસન દ્વારા આપવામાં આવતી તાજી માહિતી, ચેતવણીઓ અને સૂચનોનું પાલન કરવું અતિ આવશ્યક છે. 23મી જુલાઈએ રાજયભરમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠે રહેતા લોકોને સતર્ક રહેવા અને માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચના આપવામાં આવી છે. અત્યારે દરિયામાં વધારે કરંટ હોવાથી માછીમારી કરવા જવું જોખમી સાબિત થઈ શકે તેમ છે.
ગિરનારના ઉપરવાસમાં ભારે વરસાદ થતા લોકો અટવાયા
હવામાન વિભાગે ખાસ સૂચના આપી છે કે, વરસાદી ગતિવિધિઓ દરમિયાન વીજળી પડવાની શક્યતા વધુ હોવાથી ખેડૂતો, માછીમારો, ખેતરમાં કામ કરતા લોકો અને ખુલ્લા મેદાનમાં રહેતા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. ગામડાઓમાં રહેણાંક નીચાણવાળા વિસ્તારો માટે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી સ્થાનિક પ્રશાસન તૈયારીની સ્થિતિમાં રહેવાની અપેક્ષા છે. કાલે જૂનાગઢમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણીનું સ્તર વધી ગયું હતું. ખાસ કરીને જૂનાગઢના ગિરનારના ઉપરવાસમાં વરસાદને લીધે જટાશંકર મહાદેવ પાસે અચાનક પાણીનું સ્તર વધી ગયું હોવાથી લોકો અટવાયા હતાં. જો કે, દરેક લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.