કચ્છના સેલારીમાં મેટાસરી મહાદેવ મંદિરમાં તસ્કરોનો ત્રાટક, લાખોના આભૂષણોની ચોરી

કચ્છ: ગુજરાતના રણપ્રદેશમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેના કારણે રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે. તસ્કરો આ કડકડતી ઠંડી અને નિર્જન રસ્તાઓનો ગેરલાભ ઉઠાવીને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. સીમાવર્તી રાપર તાલુકાના સેલારી ગામમાં આવેલ પ્રાચીન મહાદેવ મંદિરમાં તસ્કરીની ઘટના બનતા સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સેલારી ગામની સીમમાં મેટાસરી તળાવના કિનારે ચૌધરી પરિવારનું મેટાસરી મહાદેવ મંદિર આવેલું છે. ગત 7મી જાન્યુઆરીની રાત્રે પૂજારી મોહનનાથ ગોસ્વામી મંદિરને તાળું મારીને ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ પૂજા-અર્ચના માટે આવ્યા ત્યારે મંદિરના દરવાજા ખુલ્લા જોઈ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે શિવલિંગ પર સ્થાપિત પંચધાતુની જર્મન સિલ્વરની બે કિંમતી નાગ મૂર્તિઓ, જેની કિંમત અંદાજે 1.15 લાખ રૂપિયા છે, તેની ચોરી થઈ છે.
આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો મંદિર પરિસરે ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં પાબુજી દાદાના મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના બની હતી. એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક વાર ધાર્મિક આસ્થાના કેન્દ્ર પર થયેલા હુમલાએ લોકોની ધીરજ ખૂટવી દીધી છે. ભક્તોમાં એવી ચર્ચા છે કે તસ્કરોને હવે કાયદા કે ભગવાનનો કોઈ ડર રહ્યો નથી.
મંદિરના પૂજારીએ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ, સ્થાનિક લોકોની માંગ છે કે રાપરના સીમાવર્તી ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અઘટિત ઘટનાઓ અટકાવી શકાય અને ચોરી ગયેલો મુદ્દામાલ જલ્દી પરત મળી શકે.



