આ તારીખથી ભુજ-સુરત વચ્ચે ડેઇલી ફ્લાઇટ સેવા શરૂ થશે, એક કલાકમાં અંતર કપાશે…

ભુજ: કચ્છથી સુરત વચ્ચે ઘણું લાંબું અંતર છે. બસ અને ટ્રેનમાં તેની મુસાફરી અનેક કલાકોનો સમય માંગી લે છે. ત્યારે હવે ભુજથી સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે.
ભુજથી સુરતનું અંતર માત્ર એક કલાકમાં કપાઈ જશે. કારણ કે આગામી સમયમાં ભુજ-સુરત વચ્ચે દૈનિક વિમાની સેવાનો આરંભ થવાનો છે.
ભુજ-સુરત વચ્ચે ઉડશે 50 સીટર ફ્લાઈટ
ભુજ-અમદાવાદ વચ્ચે સ્ટાર એરની દૈનિક વિમાની સેવા ચાલું હતી. પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાના કારણે તેને ૩ જુન 2025થી બંધ કરવામાં આવી હતી. હવે ભુજ-સુરત વચ્ચે સ્ટાર એર દ્વારા નવી ફલાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
23 ઓગસ્ટ 2025ના રોજ આ વિમાન સેવા શરૂ થશે. 50 સીટર ફ્લાઈટની આ વિમાની સેવાની ઓનલાઈન ટિકિટ બુકિંગનો દર 3 હજારની આસપાસ રાખવામાં આવ્યો છે.
મુંબઈ પહોંચવું સરળ બનશે
23મી ઓગસ્ટથી શરૂ થનારી ફ્લાઈટ સુરત એરપોર્ટથી સવારે 10:45 વાગ્યે ટેક-ઓફ કરીને 11:45 વાગ્યે ભુજ એરપોર્ટ ખાતે લેન્ડિંગ કરશે. ત્યારબાદ ભુજથી બપોરે 12:10 વાગ્યે ટેેક-ઓફ કરીને 1:10 વાગ્યે સુરત પાછી ફરશે. આ વિમાની સેવા ભુજથી મુંબઇ પહોંચવા માટે પણ ઉપયોગી સાબિત થશે.