ઉતરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શનમાં: રાપરમાંથી રૂ. 60 હજારની ચાઈનીઝ દોરી ઝડપાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આગામી મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઘાતક દોરી માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ રાહદારીઓ અને વાહનચાલકો માટે પણ જીવલેણ સાબિત થતી હોય છે. આ જોખમને નાથવા માટે રાજ્ય પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કચ્છના સરહદી વિસ્તાર રાપરમાં પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડીને પ્રતિબંધિત દોરીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
રાપર પોલીસ મથકના પી.આઈ. જે.બી. બુબડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે બાતમીના આધારે રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં આવેલી ‘ટોપટેન’ નામની કપડાંની દુકાનમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 120 રીલ મળી આવી હતી. બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.60 હજાર જેટલી આંકવામાં આવી છે. પોલીસે આ ગુનામાં 23 વર્ષીય દુકાનદાર પાર્થ પ્રકાશ માલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેરકાયદે વેપારમાં અન્ય એક શખ્સ હેમંત ચૌહાણ (રહે. તકિયાવાસ, રાપર) પણ સંડોવાયેલો છે. જોકે, દરોડા દરમિયાન હેમંત પોલીસને હાથ લાગ્યો ન હતો, જેથી તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ તેજ બનાવવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ બંને શખ્સો ઉતરાયણના તહેવારમાં વધુ નફો કમાવવાના હેતુથી આ જીવલેણ દોરીનું વેચાણ કરી રહ્યા હતા.
ચાઈનીઝ દોરી કાચના પાવડર અને પ્લાસ્ટિકના મિશ્રણથી બનેલી હોવાથી તે આસાનીથી તૂટતી નથી, જેના કારણે ગળામાં ફસાતા અનેક લોકોના મોત થવાના કિસ્સાઓ દર વર્ષે નોંધાય છે. વળી, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓની પાંખો પણ આ દોરીથી કપાઈ જતી હોય છે. પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર ભારતીય સૂતરની દોરીનો જ ઉપયોગ કરે અને જો ક્યાંય પણ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું દેખાય તો તુરંત પોલીસને જાણ કરે.



