વિમાન દુર્ઘટનાએ મૂળ કચ્છના પરિવારનો ભોગ લીધો, ત્રણ એનઆરઆઈ કચ્છીમાડું હોમાયા | મુંબઈ સમાચાર

વિમાન દુર્ઘટનાએ મૂળ કચ્છના પરિવારનો ભોગ લીધો, ત્રણ એનઆરઆઈ કચ્છીમાડું હોમાયા

કચ્છઃ અમેરિકાની બોઇંગ કંપની દ્વારા નિર્મિત ડ્રિમ લાઈનર સિરીઝનું 787-8 એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન ટેક ઓફ કરે છે અને માત્ર ગણતરીના પળોમાં ક્રેશ થઈ જાય છે. આ દુર્ઘટનામાં કુલ 242 મુસાફરોના મૃત્યુ થયા છે જ્યારે કુલ 265 લોકોનું મોત થયું છે. ભુજ તાલુકાના કોડકી ગામના અને વર્ષોથી યુનાઇટેડ કિંગ્ડમ ખાતે રહેતા માતા, પુત્ર અને પ્રથમ વાર ભારત આવેલા પૌત્રનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થતાં નાનકડાં એવા કોડકી ગામમાં ગમગીની પ્રસરી જવા પામી છે.

પોતાના ઘરે બે માસ સુધી રહેવા માટે આવ્યો હતો આ પરિવાર

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 56 વર્ષીય સુરેશ ધનજી પટેલ, તેમના માતા રાધાબાઈ અને 25 વર્ષીય અશ્વિન સુરેશ પટેલના મોતના દુઃખદ સમાચારથી કોડકી ગામમાં માતમ છવાયો છે. આ પરિવાર યુ.કેથી કોકડી પોતાના ઘરે બે માસ સુધી રહેવા માટે આવ્યો હતો. ગોઝારા ગુરુવારની વહેલી સવારે રાધામાં બહાર ઓટલા ઉપર બેઠા હતા અને સવારે 10 વાગ્યે ઘરેથી અમદાવાદ એરપોર્ટ જવા મોટરકારમાં નીકળ્યા હતા. પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી યાત્રા હશે.

View this post on Instagram

A post shared by Mumbai Samachar (@mumbaisamachar)

થોડા મહિના બાદ મળશું એવું કહ્યું હતું અને મોતના સમાચાર મળ્યાંઃ પ્રેમજી કેરાઈ

એક સ્થાનિકે જણાવ્યું કે, બે દિવસ અગાઉ સુરેશભાઈ અને તેમના પરિજનો પણ તેમના ઓટલા ઉપર બેઠાં હતાં. તે સમયે સુરેશભાઈએ આવતીકાલે લંડન જવા માટે અમદાવાદ નીકળશું, એવી વાત કરી ફરી થોડા મહિના બાદ મળશું એવું કહ્યું હતું. જોકે, બપોરે તેમના દુઃખદ નિધનના સમાચાર આવ્યા જે આ સાંભળીને ખૂબ દુઃખ થયું છે. આ પરિવાર દર વર્ષના ડિસેમ્બર દરમિયાન બે ત્રણ મહિના માટે માદરે વતનમાં રોકાવા આવતો હતો, પરંતુ આ વર્ષે ગત એપ્રિલમાં ગામના સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષના પાટોત્સવ પ્રસંગની ઉજવણીમાં સામેલ થવા માટે આવ્યા હતા. જ્યારે સુરેશભાઈનો પુત્ર અશ્વિન તો પહેલી વાર ભારત આવ્યો હતો. પરંતુ આ યાત્રા તેમની જિંદગીની છેલ્લી યાત્રા બની ગઈ અને તેમનું અકાળે મોત નીપજ્યું હતું.

આપણ વાંચો:  પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળ્યા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button