મુંદ્રા બંદર પર કલમાર મશીનમાં ઓઇલ લીક થતાં આગ ભભૂકી ઉઠી
ભુજ: કચ્છના કંડલા સંકુલની જેમ મુંદ્રા શહેર અને અદાણી બંદર આસપાસ પાછલા કેટલાક વર્ષોમાં આગજનીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. બે દિવસ અગાઉ તાલુકાના નાના કપાયા ગામમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આઠ જેટલા ગોડાઉનમાં ફાટી નીકળેલી આગની ઘટના બાદ અદાણી બંદરના કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં કલમાર મશીનમાં ઓઇલ લીક થયા બાદ અહીં ભયાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી હતી.
જ્વલનશીલ ઓઇલ સ્ટોરેજ ટેન્કો ધરાવતા વિસ્તાર સમીપે આવેલાં સીએફએસમાં આ આગની ઘટનાએ સુરક્ષાના નિયમોના અમલ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગુરુવારે બપોરના બારેક વાગ્યાના અરસામાં ટીજી સીએફએસમાં કલ્માર (કન્ટેનર હેન્ડલિંગ સાધન)માં આગ ફાટી નીકળતાં મોટાભાગની લુબ્રિકેન્ટ લાઇનો બળી ગઈ હતી.
બનાવ સ્થળે દોડી ગયેલા મુંદરા સેઝના દમકલ કર્મીઓએ અડધા કલાકમાં આગને કાબુમાં લઇ લેતાં જાનહાનિ, ઇજા કે અનિચ્છનીય ઘટના બની નહોતી. આગનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી પરંતુ કલ્માર મશીનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી તેમ સીએફએસના મેનેજરે જણાવ્યું હતું.
દરમ્યાન, મુંદરાના સીએફએસ વિસ્તારમાં આગ લાગી હતી ત્યાં કેમિકલ અને પ્રવાહીની હેરફેર તેમજ લીક્વિડ ટેન્ક હોવાથી સમગ્ર સંકુલની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું.
જાણકારોના કહેવા મુજબ, જો કોઈ પ્રવાહી પદાર્થનું પરિવહન કરવા માટે દિલ્હીથી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન’ પાસેથી લેવાની થતી પરવાનગી લેવામાં આવી નથી. કેમિકલ પરિવહનમાં ક્રાયોજેનિક આઈએસઓ ટેન્ક હોવી જોઈએ, તેને બદલે ફ્લેક્સી ટેન્ક બલૂનમાં જ પેટ્રો પેદાશોનું કન્ટેનર હેન્ડાલિંગ પરિવહન અહીંથી થઈ રહ્યું છે.