મુન્દ્રામાં રાંધણગેસના ખુલ્લા નોબને કારણે થયો ધડાકો, છ લોકો ગંભીર રીતે દાઝ્યા

ભુજ: કચ્છના મુન્દ્રા શહેરમાં એક રૂમમાં આખી રાત રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને પગલે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ચૂકેલા રસોડામાં વહેલી સવારે થયેલા જોરદાર ધડાકામાં છ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે મુંદરા પોલીસે આપેલી વિગતો મુજબ, શહેરના રાસાપીર સર્કલ નજીક આવેલી એક ઓરડીમાં રહેતા યુવકો દ્વારા ભૂલથી રાંધણ ગેસનો નોબ ચાલુ રહી ગયો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં જ્યારે ગેસ ચાલુ કરવા જતાં મોટો ધડાકો થયો હતો જેની ચપેટમાં આવેલા સુજિત રાય, મનીક કરમાકર, જયન્તો કરમાકર, હરિ રાય, અનુ મોન્ડલ અને રમેશ નામના યુવકો દાઝી ગયા હતા.
સમગ્ર બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક મુંદરાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ મહિના પહેલા પણ ગેસનો બાટલો ફાટ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક માસ અગાઉ મુંદરામાં રહેણાક વિસ્તારમાં આવેલા મકાનમાં રાંધણગેસના બાટલાની લાઈનમાં લીકેજના કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં મૂળ આંધ્રપ્રદેશના પિતા-પુત્રીનાં મોત થયાં હતાં. ઘરે રસોઈ બનાવ્યાં બાદ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગેસ બંધ કર્યો છે કે કેમ? કારણ કે, નાની એવી ભૂલ પણ આમાં જીવલેણ સાબિત થઈ શકે છે. આવી ઘટનાઓ ખરેખર લાલબત્તી સમાન છે. તંત્ર દ્વારા પણ મામલે લોકોને સાવચેત રહેવા માટે ખાસ આયોજન કરવું જોઈએ.