મુંદરાના ભદ્રેશ્વરમાં પત્નીની ઘાતકી હત્યા: સંતાનોને રૂમમાં પૂરી પતિએ પત્નીને પતાવી દીધી

ભુજ: કચ્છ જિલ્લામાં એકતરફ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના ઘટી છે. એક નિષ્ઠુર હૃદયના પતિએ પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે રવિવારની મધ્યરાત્રિએ અભુ મામદ ગીધ નામના શખ્સે આ ખુની ખેલ રચ્યો હતો. તેણે પહેલાં ઘરમાં ઊંઘી રહેલાં ચાર સંતાનોના રૂમના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા ત્યાર બાદ 47 વર્ષીય પત્ની હવાબાઈને “ચા પીવી છે” તેમ કહી ઊંઘમાંથી જગાડી હતી. જેવી હવાબાઈ પથારીમાંથી ઊભી થઈ કે તરત જ આરોપીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ પણ વાંચો: ગળું ચીરીને પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ આઠ મહિને નાશિકમાં પકડાયો
જ્યારે આ ઘાતકી હુમલો થયો ત્યારે પત્નીની ચીસો સાંભળીને રૂમમાં પુરાયેલા સંતાનો જાગી ગયા હતા. હત્યારા પિતાએ દરવાજા બંધ કરી દીધા હોવાથી બાળકો બહાર આવી શક્યા નહોતા, પરંતુ મોટી પુત્રીએ બારીમાંથી પોતાની માતાની હત્યાનો ભયાનક નજારો નજરે જોયો હતો. પત્નીને લોહીલુહાણ હાલતમાં મૂકીને આરોપી પતિ અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની-મોટી બાબતોમાં ઘર કંકાસ ચાલતો હતો. આ રોજિંદા ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અંતે પતિએ આત્મઘાતી પગલું ભરીને પત્નીનું જીવન ટૂંકાવી નાખ્યું. હાલમાં પોલીસે ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



