મેઘરાજાના આગમનથી કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, શ્રાવણી મેળાઓની રંગત જામશે…

કચ્છઃ કચ્છ અનેક ભૌગોલિક ખાસિયત ધરાવે છે. ચાલુ ચોમાસાની શરૂઆતમાં જ પડેલા સારા વરસાદને પગલે, હવે જયારે શ્રાવણી તહેવારોની મોસમ નજીક આવી પહોંચી છે ત્યારે સમગ્ર કચ્છમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ આવે એટલે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. જેના કારણે વાતાવરણ અલ્હાદક અને રમણીય લાગે છે. અત્યારે પણ કચ્છની ધરા ખૂબ જ ભવ્ય લાગી રહી છે.
કચ્છના આ સ્થળોની રોનકમાં વરસાદે કર્યો વધારો
અષાઢ મહિનાના પ્રારંભની સાથે જ આ વર્ષે હમીરસર તળાવમાં સારી એવી માત્રામાં નવા નીરની આવક થતાં રાજ્યના સૌથી નેત્રદીપક એવા ભુજના આલમપનાહ ગઢ, હેરિટેજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, કચ્છ મ્યુઝિયમ, રાજેન્દ્ર બાગ અને હમીરસર તળાવને સમાવતો લેન્ડસ્કેપ અદભુત દેખાઈ રહ્યો છે. આ સ્થળે દર વર્ષે યોજાતા કચ્છના સૌથી મોટા બે દિવસના જન્માષ્ટમીના મેળામાં લોકોને મોટી સંખ્યામાં આવી શકે છે. તો સાથે સાથે ભુજનું નામ જે પરથી પડ્યું તે ભૂજિયો ડુંગર પણ લીલોતરીથી છવાઈ ગયો છે તેથી અહીં યોજાનારા ભુજિયાના મેળાની રોનક પણ અનેકગણી વધી રહી છે.

કચ્છના તમામ તાલુકાઓમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
કચ્છમાં આ વર્ષે શરૂઆતી વર્ષાઋતુમાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેથી કચ્છના તમામ તાલુકાઓમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને કચ્છના નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસે આવેલી એક નદીના ખડકાળ પટ્ટમાં અનેકવિધ રંગો જોવા મળતાં અને નદીનો આ પટ્ટ ગુરુના ગ્રહની સપાટી જેવો દેખાતાં ખગોળ વૈજ્ઞાનિકોએ પણ આ સ્થળે અનેક સંશોધનો હાથ ધર્યા છે.
આ બાબતે નરેન્દ્ર ગોર આપી મહત્વની જાણકારી
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના નરેન્દ્ર ગોરના જણાવ્યા પ્રમાણે, અરલની નદીના પટ્ટની ડ્રોન કેમેરાની મદદથી હવાઈ તસવીરો લેવામાં આવી છે અને તેના પર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. રસ્તાની બાજુમાંથી વહેતી આ નદીના પટ્ટની મુલાકાત લેતાં આવા મેઘધનુષી રંગો જોવા મળ્યા છે. કચ્છના ધીણોધર ડુંગર પાસેના નાની અરલ આસપાસ ડાયનોસોર કાળના મૃત જ્વાળામુખીના અવશેષ જેવા પથ્થરો જોવા મળે છે, જેમાંથી કેટલાક જળકૃત ખડક છે, તો કેટલાક અશ્મિ ખડકો છે.
દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે
નદીના પટ્ટમાં જે મેઘધનુષી રંગો સર્જાય છે તે આર્યન લીચિંગ પ્રક્રિયાને કારણે સર્જાય છે. લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિચિંગ થઈને જુદી-જુદી જગ્યાએ તેનો રિસાવ થાય ત્યારે આ રિસાવ એકત્રિત થતાં પથ્થરોમાં અલગ અલગ રંગો ઉપસી આવે છે. ક્યારેક પીળા ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આપે છે! જે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તો દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે જેના કારણે હજારો વર્ષોના લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે તેમ તેઓએ ઉમેર્યું હતું.